- રાજકોટની કુંડલીયા કોલેજ ખાતે રેમડેસીવીર ઇન્જેક્શન માટે મધ્યસ્થ કેન્દ્ર શરૂ કરાયું
- 3,000 રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ
- કલેક્ટર શ્રી રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર શરૂ કરાયું
રાજકોટ: કોરોનાની મહામારીમાં વધતા જતા કેસોને ધ્યાને લઇને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયેલા જરૂરિયાતવાળા દર્દીઓને રેમડેસીવીર ઇન્જેક્શન એક જગ્યાએથી સરળતાપૂર્વક લોકોને મળી રહે તે માટે મધ્યસ્થ કેન્દ્ર શરૂ કરાયું છે. રાજકોટ કલેક્ટર શ્રી રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મધ્યસ્થ કેન્દ્ર ચૌધરી હાઇસ્કૂલ નજીક આવેલી મીનાબેન કુંડલીયા કોલેજ ખાતે શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : રેમડેસીવીર ઇન્જેક્શન અને દર્દીની હાલાકી પગલે કોંગ્રેસના ધરણા અને બાદમાં અટકાયત
આજે રવિવારથી શરુ થયેલા વિતરણ કેન્દ્ર ખાતે 3,000 રેમડેસીવીર ઇન્જેક્શન જથ્થો ઉપલબ્દ્ધ
પ્રાંત અધિકારીશ્રી સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે, આજે રવિવારથી શરૂ થયેલા વિતરણ કેન્દ્ર ખાતે 3,000 રેમડેસીવીર ઇન્જેક્શન જથ્થો ઉપલબ્દ્ધ છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને વ્યાજબી ભાવે રેમડેસીવીર ઈન્જેક્શનની જરૂરિયાત મુજબ ડિમાન્ડ મૂકવાની રહેશે. જેમાં દાખલ દર્દીના કેસની વિગત, ડૉક્ટરનું પ્રિસ્ક્રપશન, કેસની હિસ્ટરી, દર્દીના આધાર કાર્ડની નકલ તથા દર્દીનો RT-PCR રિપોર્ટ અચૂક આપવાનો રહેશે.
આ પણ વાંચો : રાજકોટમાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતાં 2 શખ્સોની ધરપકડ
મધ્યસ્થ કેન્દ્ર ત્રણ શિફ્ટમાં 24 કલાક કેન્દ્ર કાર્યરત રહેશે
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કેન્દ્ર સમગ્ર રાજકોટ જિલ્લાનું રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવાનું મધ્યસ્થ કેન્દ્ર બન્યું છે. જરૂરિયાતમંદ દર્દીઓને કોઈપણ સમયે રેમડેસીવીર ઇન્જેક્શન સરળતાથી મળી રહે તે માટે સવારે 07થી બપોરે 2, બપોરે 2થી રાત્રે 10 અને રાત્રે 10થી સવારે 07 વાગ્યા સુધી ત્રણ શિફ્ટમાં 24 કલાક કેન્દ્ર કાર્યરત રહેશે. તેમજ રેમડેસીવીર ઇન્જેક્શનને સાચવવા માટે 30 ડિગ્રીથી નીચા તાપમાનમાં સ્ટોર કરવી પડે છે. એ માટે ફ્રીજની સુવિધા પણ ઉપલબ્દ્ધ છે. જે વ્યક્તિઓને આ ઇન્જેક્શન આપવામાં આવશે તેના નામ નંબર મુજબ તેમનું દરરોજનું રજિસ્ટર પણ નિભાવવામાં આવશે.