- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 150 બેડનું કોવિડ સેન્ટર ઉભું કરાયું
- ફક્ત હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને જ પ્રવેશ
- સંપૂર્ણ નિઃશુલ્ક, દવા, જમવાનું મેડિકલ સ્ટાફની સુવિધા
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ કોરોના સંક્રમણની પરિસ્થિતિને પગલે સામાજિક ઉત્તરદાયિત્વનાં ભાગરૂપે સંપૂર્ણ નિઃશુલ્ક કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે. જેમાં કોવિડના હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને જ દાખલ કરવામાં આવશે.
ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને નહિ રાખવામાં આવે
જે કોવિડ દર્દીઓને ઓક્સિજનની જરૂર નથી તેવા દર્દીઓને માત્ર ડોક્ટરની ભલામણને આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બનાવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં ભરતી કરાશે અને સિવિલ હોસ્પિટલની જેમ જ સંપૂર્ણ નિઃશુલ્ક કોઈપણ જાતનાં ચાર્જ વિના દવા, જમવાનું સાથે મેડિકલ સ્ટાફની ટેમ્પરરી નિમણુંક કરીને લોકોને શ્રેષ્ઠ સારવાર લોકોને મળી રહે તેવા હેતુથી એક સેવાનો પ્રયત્ન કરીને લોકોમાં પ્રસરી રહેલા ડરને દૂર કરવા માટે સનિષ્ઠ પ્રયત્ન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે.
સિવિલ હોસ્પિટલની જેમ નિઃશુલ્ક સેવા કરાશે
રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં હાલ સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી કોવિડ હોસ્પિટલમાં પણ દર્દીઓને બેડ નથી મળી રહ્યા. જેને લઈને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ શહેરીજનોની મદદે આવ્યું છે તેમજ યુનિવર્સિટી ખાતે કોવિડ વોર્ડ શરૂ કરવામાં આવનાર છે. જો કે આ કોવિડ સેન્ટરમાં ઈમરજન્સી ઓક્સીજન વ્યવસ્થા ઉપલબ્ધ નથી જેથી હળવા લક્ષણોવાળા જ દર્દીઓએ ભરતી કરવામાં આવનાર છે. આ સાથે જ દર્દીઓને રહેવા-જમવાનું, સામાન્ય સારવાર, ડોક્ટરની દેખરેખ તથા યોગ અને પ્રાણાયામથી સ્વસ્થ કરવા અને હકારાત્મક ઉર્જા પેદા કરવાનો ઉપક્રમ નિયત કરવામાં આવ્યો છે. તેમજ દર્દીએ પોતાના જરૂરી સામાન સાથે 6355192607 નંબર પર કોન્ટેક કરી પ્રવેશ મેળવવાનો રહેશે.