- રાજકોટના આનંદ બંગલા ચોક વિસ્તારની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ
- કરૂણાંતિકા 5 દર્દીઓને ભરખી ગઇ
- આગ બુઝાવવાના સાધનો હોવા છતાં ઉપયોગ કેમ ન કરાયો?
- કોર્પોરેટરનો આક્ષેપ, રહીશોનો વિરોધ છતાં શરૂ કરાઇ હતી હોસ્પિટલ
રાજકોટ: આનંદ બંગલા ચોક વિસ્તારની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની કરૂણ ઘટનાને પગલે સ્થાનિક કોર્પોરેટર જાગૃતિબહેન ડાંગર પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. તેમણે ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા હતા અને જણાવ્યું હતું કે ખરેખર તો સ્થાનિકોએ અહીં કોવિડ હોસ્પિટલ શરૂ કરવાનો વિરોધ કર્યો હતો. તેમ છતાં અહીં તંત્ર દ્વારા હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી. આ કોવિડ હોસ્પિટલ શરૂ થઈ ત્યારે પણ સ્થાનિકોને સતત કોરોના સંક્રમણનો ભય રહેતો હતો.
દર્દીના પરિજનો પાસેથી અગાઉથી જ ડીપોઝીટ લઇ લેવામાં આવી
જાગૃતિબેન ડાંગરે અહીં આગનો ભોગ બનેલા દર્દીઓના પરિજનોની મુલાકાત બાદ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે અહીં દાખલ દર્દીઓ પાસેથી હોસ્પિટલ દ્વારા અગાઉથી જ ડીપોઝીટના નાણાં લેવામાં આવ્યા હતા. કોરોનાની સારવાર કરતી ખાનગી હોસ્પિટલોમાં આ પ્રકારની આગ લાગવાની ઘટના બનતા ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે. હોસ્પિટલમાં તમામ ફાયર સેફ્ટીના સાધનો પણ હતા તેમ છતાં તેનો ઉપયોગ કરવામાં ન આવ્યો તે પણ તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે.