- 4 દર્દીઓએ ગુમાવ્યા જીવ
- પરિવારજનોએ હૉસ્પિટલ પર લગાવ્યા આક્ષેપ
- કલેક્ટરે આપ્યા તપાસના આદેશ
રાજકોટઃ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ એટલી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રાજકોટમાં દરરોજ કોરોનાના 400થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યાં છે. એવામાં 60થી વધુ દર્દીઓના પણ દૈનિક મૃત્યુ થાય છે ત્યારે હોસ્પિટલમાં પણ દર્દીઓના વેઇટિંગ જોવા મળે છે. એવામાં રાજકોટમાં ખાનગી હોસ્પિટલમાં ઑક્સિજનનો અભાવ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા વહીવટી તંત્ર પાસે સતત ઑક્સિજનની માગણી કરવામાં આવી રહી છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 4 જેટલા દર્દીઓના ઑક્સિજનના અભાવે મૃત્યુ પામ્યા હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
કુંદન કોવિડ હોસ્પિટલમાં 4 દર્દીના થયા મોત
રાજકોટની કુંદન કોવિડ હૉસ્પિટલમાં ઑક્સિજનની ખૂટતાં દર્દીઓના પરીવારજનોને ઑક્સિજનની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું હતું. પરીવારજનોએ ઑક્સિજનની વ્યવસ્થા કરી આપી હતી તેમ છતાં દર્દીઓના મૃત્યુ થતાં પરિવારજનો રોષે ભરાયા હતાં. તેમજ હોસ્પિટલ તંત્ર પર પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાં ઑક્સિજનના અભાવના કારણે દર્દીઓનું મૃત્યુ થયું છે. 4 જેટલા દર્દીઓના હોસ્પિટલમાં મોત થયા હાહાકાર મચી જવા પામ્યો છે.
વધુ વાંચો: કોરોના મહામારી વચ્ચે આશાનું નવું કિરણ, ઝાયડસ કેડિલાની દવા 'વિરાફિન'ને મળી મંજૂરી
દર્દીઓની હાલત ક્રિટિકલ હતી: હૉસ્પિટલ તંત્ર
કુંદન કોવિડ હૉસ્પિટલમાં દર્દીઓના ઑક્સિજનના અભાવના કારણે મોત થયા મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે આ દર્દીઓ જ્યારે હોસ્પિટલમાં દાખલ થયા ત્યારે તેમની હાલત ગંભીર હતી. તેમજ હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઑક્સિજનનો જથ્થો હતો. આ દર્દીઓના ઑક્સિજનના અભાવના કારણે મોત થયા નથી.
વધુ વાંચો: ગીર સોમનાથમાં કોરોનાનો કહેર યથાવત, ગુરુવારે નવા 62 કેસ નોંધાયા
જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા
સમગ્ર મામલો જ્યારે બહાર આવ્યો ત્યારે તાત્કાલિક રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ આ મુદ્દો ટેક્નિકલ હોય તેના માટે એક ટીમની પણ રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગઈકાલે જોઈએ એટલા પ્રમાણમાં ઑક્સિજનનો જથ્થો નહીં આવતા ખાનગી હોસ્પિટલમાં તેમજ ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારબાદ આ ઘટના સામે આવતા વહીવટી તંત્ર પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું.