- ગિરનાર રોપ-વેએ પૂર્ણ કર્યા સફરના 30 દિવસ
- અત્યાર સુધીમાં 75 હજાર પ્રવાસીઓએ કરી સફર
- સંચાલન કરતી કંપનીને રૂપિયા 3 કરોડથી વધુની આવક
જૂનાગઢઃ એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે લોકાર્પણ થયા બાદ બુધાવારે 30 દિવસની સફર પૂર્ણ કરી છે. આ દિવસો દરમિયાન દેશના અંદાજિત 75 હજાર કરતાં વધુ પ્રવાસીઓએ રોપ-વેના સફરની મજા માણી હતી. જેના થકી રોપ- વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીને રૂપિયા ત્રણ કરોડ 75 લાખ કરતા વધુની આવક થઈ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓએ એક મહિના બાદ આજે આ વિગતો જાહેર કરી છે.
સંચાલન કરતી કંપની યાત્રિકોના પ્રતિભાવોથી સંતુષ્ટ
એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપ-વેનું ગત્ત 25મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદીએ દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું, ત્યારે ગિરનાર રોપ-વેનું વિધિવત રીતે સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારથી લઈને આજદિન સુધી અનેક લોકોએ રોપ-વેના સફરની મજા માણી છે, જેને લઇને કંપનીમાં પણ દર્શકોના પ્રતિભાવથી સંતુષ્ટ જોવા મળી રહ્યો છે. ગિરનાર રોપ-વે ના નિર્માણ પાછળ અંદાજીત 117 કરોડ જેટલો ખર્ચ થયો છે. પ્રથમ મહિનામાં પ્રવાસીઓનો આટલો ઉત્સાહ રોપ-વેનું સંચાલન કરતી કંપનીને પણ પ્રેરણાબળ પૂરું પાડી રહ્યું છે.
ટિકિટના દરને લઈને હજુ પણ જોવા મળી રહ્યો છે વિરોધ
ગિરનાર રોપ-વે જ્યારથી શરૂ થયો છે, ત્યારથી તેના ટિકિટના દરને લઈને વારંવાર વિરોધ જોવા મળી રહ્યો છે. રોપ-વેનુ સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીએ જૂનાગઢના સ્થાનિક પ્રવાસીઓ માટે ટિકિટના દર 500 રૂપિયા અને અન્ય લોકોના ટિકિટના દર 700 રૂપિયા નક્કી કર્યા છે. જેની સમય મર્યાદા આગામી 30મી તારીખે પૂર્ણ થવા જઈ રહી છે, ત્યારે 1 ડિસેમ્બરથી ફરી એક વખત ટિકિટના દરને લઈને કોઈ નવી વિરોધ રણનીતિ જૂનાગઢમાં જોવા મળે તેવુ લાગી રહ્યું છે.