જૂનાગઢઃ જિલ્લા અને પોરબંદર જિલ્લા વચ્ચે આવેલો ઘેડ વિસ્તાર ગત કેટલાય વર્ષોથી ચોમાસા દરમિયાન વરસાદ વિના બેટ બની જાય છે. જેના કારણે આ વિસ્તારના ખેતરોનું ધોવાણ થાય છે.
જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ પડે, ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જેના કારણે ઘેડ વિસ્તાર ચોમાસા દરમિયાન બેટ બની જાય છે. આવી પરિસ્થિતિ ગત કેટલાય વર્ષોથી જોવા મળી રહી છે. આમ છતાં સમસ્યા દૂર થવાને બદલે વધુ વિકટ બની રહી છે.
જૂનાગઢ અને પોરબંદર જિલ્લાની વચ્ચે આવેલો ઘેડ વિસ્તાર ઉંધી રકાબી જેવો આકાર ધરાવે છે. જેના કારણે ભાદર, ઉબેણ અને ઓજત નદીના પાણી આ વિસ્તારમાં એકઠા થાય છે. આ ઉપરાંત પોરબંદર અને રાજકોટ જિલ્લામાં આવેલા જળાશયોમાંથી પણ પાણી છોડવામાં આવતા, તે પાણી આ વિસ્તારમાં એકઠું થયા છે. જેથી આ વિસ્તારની ખેતી લાયક જમીનની સાથે સ્થાનિક લોકોને મોટા પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે.
ઘેડ વિસ્તારમાં એકઠું થતું વરસાદી પાણી પોરબંદર નજીક આવેલા ગોસાબારા વિસ્તારમાંથી દરિયામાં ભળતું હોય છે, પરંતુ ચોમાસા દરમિયાન દરિયાની સપાટીનું જળસ્તર પણ ઉંચુ હોવાને કારણે આ પાણી દરિયામાં જઈ શકતું નથી. જેના કારણે દર વર્ષે ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તાર બેટમાં ફેરવાઈ જાય છે.