- જૂનાગઢમાં કમોસમી વરસાદ
- કમોસમી વરસાદને કારણે ગરમીમાંથી મળી રાહત પરંતુ કૃષિ પાકોને નુકસાનની આશંકા
- પાછલા એક અઠવાડિયાથી વાતાવરણમાં જોવા મળે છે બદલાવ
જૂનાગઢઃ શહેરમાં આજે સોમવારે સમી સાંજે પાંચ વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને શહેરમાં ધોધમાર વરસાદ પડતો જોવા મળ્યો હતો. પાછલા એક અઠવાડિયાથી જૂનાગઢ શહેરના વાતાવરણમાં સાંજના સમયે અચાનક બદલાવ જોવા મળે છે અને ગત 2 દિવસથી હળવાથી લઈને મધ્યમ વરસાદ પણ પડી રહ્યો છે.
આ પણ વાંચોઃ દાદરા નગર હવેલી સહિત વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો, કેરી ઉત્પાદન કરતા ખેડૂતોમાં ચિંતા
ઉનાળુ પાકોની ખેતી પર વિપરીત અસર
જૂનાગઢ શહેરમાં આજે સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને સમી સાંજે શહેરમાં કમોસમી વરસાદનો જોરદાર ઝાપટુ પડયુ હતું. જેને લઇને શહેરના માર્ગો પરથી પાણી વહેતા થયા હતા. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જેને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી શકે છે, પરંતુ કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકોની ખેતી પર વિપરીત અસર થઈ શકે છે તેવી શક્યતાઓને આપણે નકારી શકીએ તેમ નથી.
પાછલા એક અઠવાડિયાથી જૂનાગઢ શહેરમાં સમી સાંજે બદલાઈ રહ્યું છે વાતાવરણ
પાછલા એક અઠવાડિયાથી જૂનાગઢ શહેરના વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન અકળાવનારી ગરમી અને ઉકળાટના વાતાવરણની વચ્ચે સાંજના 5 વાગ્યાની આસપાસ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળે છે. શહેર પર કાળા ડીબાંગ વરસાદી વાદળો અચાનક છવાઈ જાય છે અને હળવાથી લઈને મધ્યમ પ્રકારનો કમોસમી વરસાદ પડી રહ્યો છે. વાતાવરણમાં આવેલા બદલાવને કારણે ઉનાળુ પાકોની ખેતી પર વિપરીત અસર પણ થઈ શકે છે.