- AAPનું સદસ્યતા નોંધણી અભિયાન ભાજપ માટે જૂનાગઢમાં બન્યો ખતરો
- વધુ બે શહેર ભાજપના અગ્રણીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા
- આગામી દિવસોમાં હજુ પણ કાર્યકરો AAPમાં જોડાય તેવી શક્યતા
જૂનાગઢ: શહેર યુવા ભાજપ પ્રમુખ ચેતન ગજેરા અને અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ વિજય ચાવડા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં ભાજપનો ખેસ છોડીને આમ આદમી પાર્ટીના ઝાડૂ પકડતાં જોવા મળ્યા હતા. ભાજપને આ બે પાયાના કાર્યકર ગુમાવવાની કળ હજુ વળી નથી ત્યાં વધુ સક્રિય કાર્યકર જયેશ કળથીયા અને ભાવેશ કાચા આજે ચેતન ગજેરા ની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જેને લઇને જૂનાગઢ શહેર અને જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોનો ઉત્સાહ ખૂબ વધી રહ્યો છે. જે આગામી દિવસોમાં આવનારી ચૂંટણીઓ માટે પ્રેરક બળ પૂરવાર થશે.
ઉપેક્ષિત કાર્યકરો આમ આદમી પાર્ટી તરફ નજર દોડાવી રહ્યા છે
જૂનાગઢમાં રાષ્ટ્રીય પક્ષના સક્રિય અને પાયાના કાર્યકરો તેમને પક્ષના પદાધિકારીઓ દ્વારા થતી ઉપેક્ષા ધ્યાને લઈને આખરે આવા તમામ કાર્યકરો અને પદાધિકારીઓ આમ આદમી પાર્ટી તરફ નજર દોડાવી રહ્યા છે. યુવા ભાજપમાં ગાબડું પાડવામાં સફળ રહેલી આમ આદમી પાર્ટીએ આજે ભાજપને જૂનાગઢ શહેરમાં ઘણું નુકસાન કર્યું છે.