- ભારત કારગિલ વિજય દિવસ 2021ની કરી રહ્યું છે ઉજવણી
- શહીદ હરેન્દ્રગીરી ગૌસ્વામીનો પરિવાર દેશ સેવાને કરે છે યાદ
- કારગિલ લડીને શહીદ હરેન્દ્રગીરી ગૌસ્વામીએ જૂનાગઠને અપાવ્યું ગૌરવ
જૂનાગઢ : વર્ષ 1999માં પાકિસ્તાન દ્વારા નાપાક હરકત કરવામાં આવી હતી, ભારતના સૌથી ઊંચા બારામુલા કારગીલ સરહદ પર ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ ખૂબ જ ગર્વથી પાકિસ્તાનના નાપાક ( India Pakistan War ) ઈરાદાને નેસ્ત નાબુદ કર્યો હતો. ભારતની સૌથી ઉંચી કહી શકાય તેવા બારામુલા કારગીલ સેક્ટરમાંથી પાકિસ્તાની ઘુસણખોરોને ખદેડીને વિજય પ્રાપ્ત થયો હતો. આ વિજય અપાવવામાં જૂનાગઢ જિલ્લાનું પણ યોગદાન છે, કેશોદ તાલુકાના કોયલાણા ગામમાં જન્મેલા શહિદ હરેન્દ્રગીરી ગૌસ્વામી (Harendra Giri Goswami )એ પાકિસ્તાની ઘુસણખોરોના ઇંટનો જવાબ પથ્થરથી આપીને માં ભોમની રક્ષા કરતાં કરતાં શહીદી વ્હોરી હતી. આજના કારગિલ વિજય દિવસ 2021 ( Kargil Vijay Diwas 2021 )ના ચાલો તેમના વિશે જાણીએ...
બાળપણમાં જ સેવ્યું દેશ સેવાનું લક્ષ્ય
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના કોયલાણામાં 12 સપ્ટેમ્બર 1974ના દિવસે ગૌસ્વામી પરિવારમાં હરેન્દ્રગીરી ગૌસ્વામીનો જન્મ થયો હતો, તેમણે શિક્ષણ ગામમાં જ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો. શરૂઆતથી જ ભારતીય સેના પ્રત્યે લગાવ ધરાવનાર હરેન્દ્રગીરી ગૌસ્વામીએ સેનામાં જોડાવાનું સપનું શાળામાંથી સેવ્યુ હતુ. આથી, અંતે 1995માં ભારતીય સેનામાં જોડાવાની તક મળી હતી.
શહીદ હરેન્દ્રગીરીનો સેનામા જોડાવાનો જુસ્સો
દેશ સેવા માટે ભારતીય સૈન્યમાં જોડાવાનો જુસ્સો ધરાવનાર હરેન્દ્રગીરી ગૌસ્વામી ભારતીય સેનામાં શામેલ થવા માટે 9 વખત નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા હતા, પરંતુ હરેન્દ્રગીરી 10માં પ્રયાસમાં સફળ થયા અને જૂનાગઢ જિલ્લાનો આ વીર યુવાન વર્ષ 1995માં ભારતીય સેનામાં ગર્વભેર જોડાયો હતો. સેનામાં જોડાયા બાદ મધ્યપ્રદેશમાં મહાર રેજિમેન્ટમાં તેમણે સેનાની આકરી તાલીમ પ્રાપ્ત કરી ભારતની સૌથી સંવેદનશીલ અને ઊંચો કહી શકાય તેવા બારામુલા કારગીલ સેન્ટરમાં દેશની સેવા કરવાની તક મળી હતી, જ્યાં પાકિસ્તાની ઘૂસણખોરો અને સેનાઓ સામે દેશના સીમાડાની રક્ષા કરતા જૂનાગઢના આ વીર શહીદ હરેન્દ્રગીરી ગૌસ્વામીએ સફળતા પૂર્વક લડાઈ લડી હતી. જેનુ જૂનાગઢ આજે પણ ગર્વ લઈ રહ્યું છે.
મોટા ભાઈ સાથે કરી આ છેલ્લી વાત
પાકિસ્તાન સાથેની કારગીલ લડાઈ પૂર્વે હરેન્દ્રગીરી ગૌસ્વામીએ તેમના મોટાભાઈ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી, આ વાતચીતમાં તેમણે કાશ્મીરમાં ચાલી રહેલા હિન્દી ચલચિત્રના શૂટિંગને જોવા માટે તેના ભાઈને નિમંત્રણ પાઠવ્યું હતું. આ વાતચીત શહીદ હરેન્દ્રગીરી અને તેમના પરિવાર વચ્ચેની છેલ્લી વાતચીત હતી. આ બાદ 28 જૂન 1999ના દિવસે હરેન્દ્રગીરી ગૌસ્વામી દેશની સેવા કરતાં કરતાં વીરગતિ પામ્યા હતા, જેની જાણ તેમના પરિવારને સરકાર દ્વારા 30 જુલાઈએ કરવામાં આવી હતી. આ સમાચાર મળતા જ પરિવાર હતપ્રભ થઈ ગયો હતો, પરંતુ દેશસેવા માટે શહીદ થયેલા હરેન્દ્રગીરી ગૌસ્વામીએ પરિવાર સહિત જૂનાગઢ જિલ્લાને પણ ગૌરવવંતો બનાવ્યો છે.