- ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે શીતળા સાતમના તહેવારની ઉજવણી
- આદિ-અનાદિ કાળથી પારંપરિક રીતે શ્રાવણ વદ સાતમના દિવસે ઉજવવામાં આવે છે શીતળા સાતમ
- બાળકને શીતળાના રોગ સામે રક્ષણ આપતા હોવાથી તહેવારની કરાય છે ઉજવણી
જૂનાગઢ : શીતળા સાતમનો તહેવાર ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે, વર્ષો પહેલા જ્યારે શીતળાના રોગ સામે કોઈપણ પ્રકારની દવા અને ઉપચાર પદ્ધતિ અમલમાં ન હતી, ત્યારથી મહિલાઓ દ્વારા તેમના નાના બાળકોને શીતળા નામની બીમારીથી મુક્તિ મળે તે માટે શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમનો તહેવાર મનાવીને શીતળા માતા તેમના પરિવારને શિતળા નામના રોગ સામે રક્ષણ કરે તેવી આસ્થા સાથે સાતમનો તહેવાર મનાવવાની પરંપરા શરૂ થઈ હતી, જે આજે આધુનિક સમયમાં પણ જોવા મળી રહી છે.
શિતળા નામના રોગ સામે શીતળા માતાનું રક્ષણ
આદિ અનાદિ કાળથી શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમનો તહેવાર ઉજવવાની ધાર્મિક પરંપરા ચાલતી આવી છે, જે આજે પણ યથાવત જોવા મળી રહી છે. શીતળા સાતમના તહેવાર નિમિત્તે પ્રત્યેક મહિલાઓ પોતાના પરિવારના બાળકોનું શીતળાના રોગ સામે રક્ષણ થાય તે માટે શીતળા માતાનું પૂજન કરીને તેમની કૃપા દ્રષ્ટિ તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી આસ્થા સાથે શીતળા સાતમનો તહેવાર મનાવી રહી છે, વર્ષો પહેલા જ્યારે શિતળા નામના રોગ સામે કોઈ તબીબી વ્યવસ્થા અને દવાઓ જોવા મળતી ન હતી તેવા સમયે શિતળા નામના રોગ સામે શીતળા માતા રક્ષણ આપતી હોવાના ધાર્મિક માન્યતા અનુસાર શીતળા સાતમના તહેવારની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી, જે આજે આધુનિક સમયમાં પણ જોવા મળી રહી છે.
રાંધેલો ખોરાક શીતળા માતાને પ્રસાદરૂપે અર્પણ કરવાની છે પરંપરા
શીતળા સાતમના તહેવારમાં 24 કલાક પૂર્વે ઘરમાં રાંધેલો ખોરાક શીતળા માતાને અર્પણ કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવે છે, જેમાં મહિલાઓ દ્વારા ઘરમાં મીઠાઈ બનાવવામાં આવે છે, ઘઉંની, કુલેર, શ્રીફળ અને મીઠાઈ જે ઘરમાં બનાવવામાં આવી હોય છે, તે શીતળા માતાને પ્રસાદીરૂપે અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ આ પ્રસાદ ઘરના તમામ સદસ્યો આરોગે છે. માતાજીના પ્રસાદ અને મીઠાઈ પ્રત્યેક ઘરમાં આજે પણ બનતી જોવા મળે છે. શીતળા સાતમના ધાર્મિક મહત્વનું આજે એક માત્ર પુરાવો રજૂ કરે છે, શીતળા માતાને અર્પણ કરાયેલા ખોરાક પ્રસાદી રૂપ બની જાય છે અને તેના આરોગવાથી સમગ્ર વર્ષ દરમિયાન પરિવારનું આરોગ્ય જળવાઈ રહે છે, તેવી માન્યતા સાથે શીતળા સાતમના તહેવારેની ઉજવણી થઈ રહી છે.
સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા
સાતમના આગલા દિવસને રાંધણ છઠ્ઠ કહે છે. રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો સગડી, ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતઃકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરી સગડી કે ચૂલા વગેરે લીપીગૂંપી તેમાં આંબો રોપી કૃતકૃત્ય બને છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે અને આજીવન શીતળતાની સુખદ અનુભૂતિ થાય છે.
શીતળા માંની વાર્તા સાંભળવી
આ દિવસે ચૂલો કે સગડી સળગાવવી નહીં, આખો દિવસ ટાઢું ખાવું અને શીતળા માંની વાર્તા સાંભળવી અથવા વાંચવી. આ પર્વને શીતળા સાતમ કે ટાઢી સાતમ કહે છે. આ પર્વના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાના બાળકોની રક્ષા કાજે ખોળો પાથરીને પ્રાર્થના કરે છે. શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં ક્ષુદ્ર સેવાના સાધનોને તેમની મહત્તા અને ઉપયોગિતા જોઈ તેમણે પોતાની પાસે રાખ્યા છે. માન્યતા એવી છે કે, પ્રસ્તુત સાધનોની પૂજા કરવાથી સંતતિને રોગો થતા નથી, તેમનું આરોગ્ય જળવાય રહે છે.