- કોરોના સંક્રમણને નિમંત્રણ આપતા હોય તે પ્રકારના દ્રશ્યો દામોદર કુંડથી આવ્યા સામે
- મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પિતૃના અસ્થિ વિસર્જન માટે જોવા મળ્યા દામોદર કુંડ પર
- આ દ્રશ્યો કોરોના સંક્રમણને વણજોઈતું નિમંત્રણ આપવા માટે બની શકે છે પૂરતા
જૂનાગઢઃ કોરોના સંક્રમણને જાણે કે નિમંત્રણ મળતું હોય તે પ્રકારના દ્રશ્યો ગિરનારમાં આવેલા પવિત્ર દામોદર કુંડથી સામે આવી રહ્યા છે. અહીં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પોતાના પરિજનોના અસ્થિનું વિસર્જન કરવા માટે વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જેને લઇને ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. એક તરફ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે આવી પરિસ્થિતિમાં પ્રત્યેક નાગરિક કોરોના સંક્રમણના દિશા નિર્દેશોનું પૂરતું પાલન કરે તેવું ઇચ્છનીય માનવામાં આવી રહ્યું છે, પરંતુ અહીં ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પોતાના પરિવાર જનના મૃતક વ્યક્તિના અસ્થિ વિસર્જન માટે આવી રહ્યા છે. વહેલી સવારે દામોદર કુંડમાં ખુબ મોટી સંખ્યામાં લોકોની હાજરી જોવા મળતી હતી. આ દ્રશ્યો કોરોના જેવા ખૂબ જ વિપરીત અને ભયજનક સમયમાં ચિંતા ઉપજાવે તેવા લાગી રહ્યા છે.
આ પણ વાંચોઃ હરિદ્વારમાં 5 દિવસમાં કોવિડના નવા 2,167 કેસ આવ્યા સામે, કુંભનું આયોજન રહેશે ચાલુ
દામોદર કુંડમાં તમામ ધાર્મિક વિધિ માટે નહીં આવવાની તિર્થ ગોર દ્વારા પણ વિનંતી કરાઇ હતી
ગઈકાલે રવિવારે દામોદર કુંડ તિર્થ ગોર દ્વારા પણ ભાવિ ભક્તોને ચૈત્ર મહિનામાં ધાર્મિક વિધિ માટે દામોદર કુંડ ખાતે નહીં આવવું તેવી સાર્વજનિક વિનંતી સમાચાર માધ્યમો દ્વારા પણ કરી હતી, પરંતુ આજે સોમવારે વિનંતીના 12 કલાક બાદ ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પોતાના પરિવારજનોનું અસ્થિ વિસર્જન કરવા માટે દામોદર કુંડમાં જાણે કે મેળાવડાના રૂપમાં જોવા મળી રહ્યા હતા. આજના દામોદર કુંડના દ્રશ્યો ખૂબ જ ચિંતા ઉપજાવે તેવા એટલા માટે હતા કે જૂનાગઢ શહેર અને જિલ્લામાં દરરોજ કોરોના સંક્રમિત વ્યક્તિઓનો આંકડો વધી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં આટલી મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો કોરોના સંક્રમણને વધુ કેટલાક વિસ્તારો અને જિલ્લાના સુધી ફેલાવવામાં મદદ કરી શકે છે, ત્યારે આવી પરિસ્થિતિમાં લોકો પોતાની સ્વયંશિસ્ત દાખવે અને સ્વૈચ્છિક રીતે આ પ્રકારના કાર્યક્રમોમાં ભેગા નહીં થઈને કોરોના સંક્રમણ સામેના યુદ્ધમાં વિજય મેળવવા માટે મદદ કરે તેવું આજના સમયે ઈચ્છનીય ગણાશે.