- જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની હાજરીમાં નિયમોનો થયો ભંગ
- જિલ્લા ભાજપ પ્રમુખ સહિત તમામ કાર્યકરો જોવા મળ્યા માસ્ક વિના
- ચૂંટણી આયોગે નક્કી કરેલા દિશાનિર્દેશોનો ખુલ્લેઆમ ભંગ
જૂનાગઢઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર ચરમસીમા પર જોવા મળી રહ્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે માંગરોળ અને કેશોદમાં ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સહિત તમામ કાર્યકરોએ ચૂંટણી પંચના નિયમોનું ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ સહિત એક પણ કાર્યકર માસ્ક સાથે જોવા મળતો નહોતો, વધુમાં તમામ કાર્યકરો અને ડાયસ સાથે બિરાજતા જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પણ સામાજિક અંતરના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.
ચૂંટણી આયોગના નિયમો રાજકીય પક્ષોને બંધન કર્તા ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચૂંટણી આયોગે કોરોના સંક્રમણને ધ્યાને રાખીને કેટલાક નિયમો અને દિશાનિર્દેશો જાહેર કર્યા છે. જે મુજબ ચૂંટણી પ્રચાર અને સભા દરમિયાન કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ કાર્યકરોએ નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે. તેમજ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ માસ્ક અનિવાર્ય બનાવવામાં આવ્યું છે, પરંતુ આજની માંગરોળની સભામાં સામાજિક અંતરની સાથે એક પણ કાર્યકરે માસ્ક પહેર્યુ હોય તેવું જણાય આવતું નહોતું. જે સ્પષ્ટ બતાવી આપે છે કે, ચૂંટણી આયોગે જાહેર કરેલા કોરોના સંક્રમણ નિયમનો જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની હાજરીમાં ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે.