- સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના બ્રિડિંગ સેન્ટરને મળી વધુ એક સફળતા
- પ્રાણી સંગ્રહાલયમાં સિંહોની સાથે હવે સંકટગ્રસ્ત લાલ મરઘાનું પણ થઈ રહ્યું છે સફળ બ્રિડિંગ
- બ્રિડિંગના અંતે સંકટગ્રસ્ત જંગલી લાલ મરઘાને ડાંગ સહિતના જંગલોમાં મુક્ત કરાશે
જૂનાગઢઃ શહેરના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના બ્રિડિંગ સેન્ટરને ( Sakkarbagh Zoo Breeding Center ) વધુ એક સફળતા મળી છે. પાછલા કેટલાક વર્ષોથી પ્રાણી સંગ્રહાલયમાં એશિયાટીક સિંહોનું સફળતાપૂર્વક બ્રિડિંગ સેન્ટર ચાલી રહ્યું છે. અહીં 220 કરતાં વધુ સિંહનું સફળતાપૂર્વક બ્રિડિંગ કરીને સિંહની સંકટગ્રસ્ત પ્રજાતિને ઉગારવામાં બ્રિડિંગ સેન્ટરનો ખૂબ મહત્વનો ફાળો છે. ત્યારે આવી જ રીતે ગુજરાતના ડાંગ, પંચમહાલ અને રતનમાલ વિસ્તારમાં જોવા મળતા અને હાલ સંકટગ્રસ્ત પ્રજાતિ તરીકે સામે આવેલા જંગલી લાલ મરઘાનું બ્રિડિંગ સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં પાછલા થોડા જ સમયમાં બ્રિડિંગ સેન્ટરને ખૂબ મોટી સફળતા મળી છે. એક સમયે મર્યાદિત સંખ્યામાં જોવા મળતા જંગલી લાલ મરઘાની સંખ્યા હવે 100 ને પાર થવા જઈ રહી છે જે બ્રિડિંગ સેન્ટરની સફળતાને દર્શાવી રહી છે.
જંગલી લાલ મરઘા લુપ્ત થતાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને બ્રિડિંગની જવાબદારી સોંપાઈ
ડાંગ પંચમહાલ અને રતનમાલ વિસ્તારમાં વર્ષો પૂર્વે ખૂબ બહોળા પ્રમાણમાં જોવા મળતા જંગલી લાલ મરઘા સમયાંતરે લુપ્ત થવાને આરે પહોંચી ગયાં. ત્યારે સંકટગ્રસ્ત પ્રજાતિને બચાવવા માટે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયે જવાબદારીઓનું વહન કર્યું અને એક વર્ષની અંદર જ 70 કરતાં વધુ જંગલી લાલ મરઘાના બચ્ચાનો જન્મ અને ઉછેર કરીને બ્રિડિંગના ઇતિહાસમાં સૌથી સારી કામગીરી બતાવી છે. જંગલી લાલ મરઘાં સંકટગ્રસ્ત હોવાને કારણે વન સંહિતા મુજબ તેને શેડ્યુલ એકનું પક્ષી માનવામાં આવે છે. જેને સિંહની સમક્ષ પણ ગણવામાં આવી રહ્યું છે. આમાં સંકટગ્રસ્ત પક્ષીની પ્રજાતિને બચાવવા માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયનું બ્રિડિંગ સેન્ટર ( Sakkarbagh Zoo Breeding Center ) આશીર્વાદ સમાન બની રહ્યું છે
સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના બ્રિડિંગ સેન્ટરમાં જોવા મળ્યા ઉત્સાહજનક પરિણામ
જંગલી લાલ મરઘા મુખ્યત્વે ગીચ જંગલોમાં જોવા મળતા હોય છે. ગુજરાતના પૂર્વ વિસ્તારમાં અને ખાસ કરીને ડાંગ પંચમહાલ અને રતનમાલ વિસ્તારમાં અઆ મરઘાની સંખ્યા સવિશેષ હતી, પરંતુ કાળક્રમે સંકટગ્રસ્ત થતાં હવે તેને બચાવવાનું અભિયાન શરૂ થયું છે. આ મરઘાઓ અહી લાવતા પૂર્વે વર્ષ દરમિયાન પાંચથી સાત જેટલા ઈંડાઓ આપતા હતાં. હવે અહીં તેમની તબીબોની દેખરેખ નીચે યોગ્ય સારસંભાળ રાખવામાં આવતા વર્ષે 20 થી 25 જેટલા ઈંડાઓ મળી રહ્યાં છે.
જેને કારણે બ્રિડિંગ સેન્ટરને ( Sakkarbagh Zoo Breeding Center ) સફળતા મળી રહી છે. તેમજ તબીબી દેખરેખ નીચે પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ અને પૌષ્ટિક આહાર મળી રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આહાર અને પોષ્ટીક ખોરાક બ્રિડિંગ સેન્ટરનો મહત્વનો ભાગ છે જેને કારણે પણ જંગલી લાલ મરઘાના બ્રિડિંગમાં ખૂબ મોટી સફળતાઓ મળી રહી છે. સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં બ્રિડિંગને અંતે જન્મ લેનાર મરઘા પુખ્ત બનતાની સાથે ફરીથી તેને તેના મૂળ વતન એટલે કે ડાંગ, પંચમહાલ અને રતનમાલ વિસ્તારના જંગલોમાં મુક્ત કરી દેવામાં આવશે. ફરીથી તેને તેના વિસ્તારમાં ઉછરવાની તક આપવામાં આવશે.
આ પણ વાંચોઃ Sakkarbaug Zooમાં બળી ગયેલા વૃક્ષો પર વન્ય પ્રાણીના સ્કલ્પચરનું આયોજન
આ પણ વાંચોઃ અરે વાહ, જુનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય (Sakkarbagh Zoo)માં વધુ ત્રણ સિંહ બાળનો જન્મ