● મેદસ્વિતા નિવારણ દિવસની અગત્યતા
● સતત બદલાઈ રહેલી જીવનશૈલી આપે છે મેદસ્વિતાને આમંત્રણ
● બાળકોમાં ચિંતાજનક રીતે વધતું પ્રમાણ
જૂનાગઢ: વિશ્વ મેદસ્વિતા નિવારણ દિવસ નિમિત્તે દુનિયાભરમાં મેદસ્વિતા વિશે જાગૃતિ ફેલાઇ રહી છે. ત્યારે ભારતીયોમાં અને તેમાં પણ ખાસ કરીને બાળકોમાં ચિંતાજનક રીતે મેદસ્વિપણું ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. વ્યસ્ત જીવનશૈલી, ખાનપાનમાં જંકફૂડનું વધી રહેલા પ્રમાણને લીધે શરીર અસાધ્ય રોગોનું ઘર બની રહ્યું છે.
ભારતમાં મેદસ્વિતાનું પ્રમાણ
વર્ષ 2016માં મેદસ્વિતાને લઈને એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં આપણા દેશમાં મેદસ્વિતાનું પ્રમાણ 4 ટકાની આસપાસ જોવા મળ્યું હતું. ગુજરાતમાં વર્ષ 1990માં મેદસ્વિતાનું પ્રમાણ 4.7 ટકા હતું જે વર્ષ 2016માં વધીને 11.5 ટકા જેટલું જોવા મળ્યું હતું. જે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. તબીબો પણ વારંવાર દરેક પરિવારને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની સલાહ આપતા હોય છે જેથી મેદસ્વિતાનું પ્રમાણ અટકી શકે.
મેદસ્વિતા પાછળ કુટેવો પણ છે જવાબદાર
બેઠાડુ જીવન શૈલી જ મેદસ્વિતાને જન્મ આપનારી હોવાનું માનવામાં આવે છે, ઉપરાંત પરિશ્રમનું ખૂબ જ ઓછું પ્રમાણ, સતત જંકફૂડ લેવાની કુટેવો, કામનું ડિપ્રેશન, ઉંઘમાં ઘટાડો જેવા કારણો પણ ઓબેસિટી માટે જવાબદાર છે. આ તમામ કુટેવો પર જો સમય રહેતા કાબુ મેળવી લેવામાં આવે તો જ મેદસ્વિપણાને નિવારવામાં આપણને સફળતા મળી શકે તેમ છે.