જૂનાગઢ: છેલ્લા 8 મહિનાથી જૂનાગઢના કલાકારો બેરાજગારીની હાલતમાં છે ત્યારે મોંઘવારીના આ સમયમાં ઘર ચલાવવું અઘરૂ થઇ પડતા નાછૂટકે આ કલાકારો અન્ય ચીજવસ્તુઓ વેચી જીવનનિર્વાહ કરતા નજરે પડી રહ્યા છે.
કોરોના વાઇરસને કારણે જે રીતે દેશમાં મંદીનો માહોલ છવાયો છે તેની અસર કલાક્ષેત્રે પણ થઇ રહી છે. વર્ષોની સાધના પછી હસ્તગત કરેલી કલાઓ આજે જૂનાગઢના લોક કલાકારોને રોજગારી અપાવવા માટે પૂરતી નથી. આથી કેટલાક કલાકારો અન્ય વ્યવસાય અપનાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
જૂનાગઢની ભૂમિ સંત અને શૂરાની ભૂમિ તરીકે પણ ઓળખાય છે. આ ભૂમિએ ગુજરાતને અનેક વિશ્વ વિખ્યાત કલાકારોની ભેટ આપી છે. પરંતુ કોરોના સંક્રમણને કારણે તમામ પ્રકારના ધાર્મિક, સામાજિક અને અન્ય કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં આ કલાકારો બેરોજગાર બનતા તેમણે જાહેર માર્ગો પર વેપરાઇઝર વેચવાનું શરૂ કર્યુ છે.
આ કલાકારોને જૂનાગઢના લોકો પણ બિરદાવી રહ્યા છે. કારણકે તેમણે મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢી સ્વનિર્ભરતાનું ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે. જૂનાગઢના જાહેર માર્ગો પર સ્ટોલ ઊભો કરી વેપરાઇઝર વેચતા આ કલાકારો પાસેથી લોકો ચીજ-વસ્તુઓની ખરીદી કરીને તેમને આર્થિક મદદ પણ કરી રહ્યા છે.
જૂનાગઢથી મનીષ ડોડીયાનો વિશેષ અહેવાલ...