જૂનાગઢઃ લોકડાઉનને લઈને હવે ધીમે ધીમે ચિંતાજનક તસવીરો બહાર આવી રહી છે. છેલ્લા 60 દિવસથી સમગ્ર દેશમાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે, જેને કારણે પ્રવાસનથી લઈને તમામ ધાર્મિક સ્થળ બંધ કરવામાં આવ્યા છે. જેને લીધે એક પણ વ્યક્તિ પોતાના ઘરની બહાર અન્ય સ્થળે જઈ શકતો નથી.
જૂનાગઢમાં આવેલો દામોદર કુંડ ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણનું પિંડદાન અને મહાત્મા ગાંધીના અસ્થીનું વિસર્જન પણ કરવામાં આવ્યું છે. લોકવાયકા મુજબ કોઇપણ ધાર્મિક યાત્રા બાદ જ્યાં સુધી દામોદર કુંડમાં ધાર્મિક વિધિવિધાન સાથે પવિત્ર સ્નાન કરવામાં ન આવે ત્યાં સુધી એક પણ ધાર્મિક યાત્રા પૂર્ણ ગણાતી નથી. આમ ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ ધરાવતા દામોદર કુંડમાં છેલ્લા 60 દિવસથી એક પણ શ્રદ્ધાળું અહીં આવ્યા નથી. જેના કારણે ધાર્મિક વિધિવિધાન, પૂજાવિધી અને કર્મકાંડ સાથે જોડાયેલા 20 હજાર ભૂદેવ પરિવારો તેમની રોજગારી ગુમાવી ચૂક્યા છે અને ખૂબ મોટા આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહ્યાં છે.