- ગત વર્ષની સરખામણીએ આ વર્ષે નથી થયો કોઈ વધારો
- બીજી લહેરમાં અનેક લોકોએ મુશ્કેલીનો કરવો પડ્યો હતો સામનો
- સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને હજુ સુધી કરાઈ નથી કોઈ વ્યવસ્થા
જૂનાગઢ: સંભવિત કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખીને ETV Bharat દ્વારા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો પુરવઠો, પ્લાન્ટ અને તેને જરૂરિયાતને લઈને રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગત વર્ષે બીજી લહેરના સમયમાં જે વ્યવસ્થા ઓક્સિજનને લઈને કાર્યરત હતી. તે હજુ પણ પૂર્વવત જોવા મળી રહી છે. કોઈ વધારો કે ઘટાડો થયો હોય તેવું રિયાલિટી ચેકમાં સામે આવ્યું નથી. બીજી લહેરમાં ઓક્સિજનના અપૂરતા પુરવઠાને લઈને સંક્રમિત દર્દીઓએ ખૂબ મોટી હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. ત્રીજી સંભવિત લહેરની શક્યતાઓ વચ્ચે આવી પરિસ્થિતિમાં ઓક્સિજનનો જથ્થો કોઈ મુશ્કેલી સર્જે તો નવાઈ નહીં.
બીજી લહેર બાદ સરકારે ઓક્સિજન પ્લાન્ટને લઈને આગવું આયોજન હાથ ધર્યું હતું
કોરોના સંક્રમણની બીજી લહેરમાં જે પ્રકારે અનેક દર્દીઓએ ઓક્સિજન સમયસર અને પૂરતો ન મળવાને કારણે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. આવી પરિસ્થિતિમાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના તમામ સરકારી હોસ્પિટલ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ અને તેની વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે આગવું આયોજન કરવાની વાત કરી હતી. જે હજુ અસ્તિત્વમાં જોવા મળતી નથી. આવી પરિસ્થિતિમાં જો સંભવિત ત્રીજી લહેરની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. આવી પરિસ્થિતિમાં ઓક્સિજનનો જથ્થો અને તેનો સપ્લાય ત્રીજી લહેરમાં પણ મુશ્કેલી ઉભી કરી શકે છે. ખાસ કરીને ગામડાઓના દર્દીઓ માટે ત્રીજી લહેર ઓક્સિજનના જથ્થાને લઈને ઘાત બનીને ત્રાટકે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી.