- ભાવ વધારાથી ખેડૂતોની આવક અને ખેતીના ઉત્પાદન પર વિપરીત અસર પડશે
- DAP અને NPK ખાતરમાં કરાયો 50થી 60 ટકાનો ભાવ વધારો
- ખાતરમાં ભાવ વધારાને લઇને જૂનાગઢના ખેડૂતોમાં અસંતોષ
જૂનાગઢઃ ગઈકાલ 8 એપ્રિલથી અમલમાં આવે તે રીતે NPK અને DAP ખાતરમાં 50થી લઈને 60 ટકા સુધીનો ભાવ વધારો રાસાયણિક ખાતરના ઉત્પાદન કરતી કંપનીઓ દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઇને જૂનાગઢના ખેડૂતોમાં ભાવ વધારા સામે રોષ જોવા મળી રહ્યો છે. ભાવ વધારાથી ખેડૂતોની આવક અને ખેતીના ઉત્પાદન પર ખૂબ જ વિપરીત અસર પડશે. સતત વધી રહેલા ભાવ વધારાને કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બની રહ્યાં છે, જેને કારણે કેટલાક હતભાગી ખેડૂતો આત્મહત્યા કરવા સુધીના પગલા પણ ભરી લીધા છે. કેન્દ્ર સરકાર અને તેની એજન્સીઓ કૃષિ પેદાશોના ભાવો વધારાની વિરુદ્ધમાં કૃષિ ઉપયોગી રાસાયણિક ખાતરના ભાવોમાં તોતિંગ વધારો કરી દેતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં ખાતર-બિયારણમાં સરેરાશ 30 ટકાના ભાવ વધારાનો વિરોધ
2022માં ખેડુતોની આવક બમણી થવાની જગ્યા પર જાવક 5 ગણિ થતાં ખેડૂતોએ વ્યક્ત કરી ચિંતા
કેન્દ્ર સરકાર અને કૃષિ વિભાગે વર્ષ 2022 સુધીમાં દેશના પ્રત્યેક ખેડૂતોની આવક બમણી કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આ અંગે કેન્દ્ર સરકારનો તર્ક હતો કે ખેડૂતોને કૃષિ ખર્ચમાં ઘટાડો થશે. જેની સામે ઉત્પાદિત કૃષિપાકોનું મૂલ્ય આપોઆપ ખેડૂતોની આવકમાં વધારો કરી દેશે. સરકારનું આ સ્વપ્ન જૂનાગઢના ખેડૂતો માટે બિહામણુ બની રહ્યું છે. કેન્દ્ર સરકાર અને તે નીચે કામ કરતી એજન્સીઓ ખેતી પાકોમાં બિયારણથી લઈને ખાતરની અનિવાર્યતા જાણી કે સમજતી ન હોય તે પ્રકારે વર્તન કરીને ખાતરોના ભાવમાં અકલ્પનિય વધારો કર્યો છે. ખેડૂતો એક જ માંગ કરી રહ્યાં છે કે, કેન્દ્ર સરકાર ખેડૂતોના ખાતર દવા અને બિયારણમાં વધારો ન કરે તો પણ જગતનો તાત જાત મહેનતથી તેની આવક બમણી કરવા માટે આજે પણ સર્વ શક્તિમાન છે.
આ પણ વાંચોઃ નવસારીના હાંસાપોરની આત્મનિર્ભર મહિલાઓ: બચતા સમયમાં વર્મીકંપોસ્ટ ખાતર બનાવીને વર્ષે દોઢ લાખ સુધીની આવક