- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢમાં પાટીદાર મતદારો પરિણામ બદલી શકવા સક્ષમ
- વર્ષ 2015માં કોંગ્રેસને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળી હતી જ્વંલંત સફળતા
- જૂનાગઢ જિલ્લા પૂર્વ ભાજપ મહામંત્રી નીતિન ફળદુએ પક્ષમાંથી આપ્યું છે રાજીનામું
જૂનાગઢઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર મતદારો કોઇ પણ પક્ષની તરફેણ કે વિરુદ્ધમાં સામે આવીને ચૂંટણી પરિણામો બદલવા માટે સક્ષમ હોવાનું જૂનાગઢના વરિષ્ઠ પત્રકાર માની રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોથી જૂનાગઢનુ રાજકારણ પાટીદાર સમાજને આસપાસ ફરતુ જોવા મળે છે, ત્યારે બે દિવસ અગાઉ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને વર્ષ 2017માં વર્તમાન કેબિનેટ પ્રધાન જવાહર ચાવડા સામે ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા નિતીન ફળદુએ પક્ષની નીતિ સામે પોતાનો વાંધો રજૂ કરીને તેમના કાર્યકરો સાથે ભાજપમાંથી રાજીનામું આપી દેતા જૂનાગઢ જિલ્લાના સ્થાનિક રાજકારણમાં ચૂંટણીઓ પૂર્વે હલચલ જોવા મળી હતી. ત્યારે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં જો પાટીદાર મતદારો એકજૂથ થઇને કોઇ પણ પક્ષની તરફ કે વિરોધમાં બહાર આવે તો પાટીદાર સમાજ ચૂંટણીના પરિણામો બદલવા માટે સક્ષમ હોવાનું જૂનાગઢના વરિષ્ઠ પત્રકાર માની રહ્યા છે.
વર્ષ 2015ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાટીદાર સમાજની અસરો સ્પષ્ટ જોવા મળી હતી
વર્ષ 2015માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઇ હતી, બરાબર તે જ સમયે પાટીદાર અનામત આંદોલન પણ તેની ચરમસીમા પર જોવા મળતું હતું. આવી પરિસ્થિતિમાં સમગ્ર રાજ્યના પાટીદાર મતદાર સત્તાધારી ભાજપ સામે લડી લેવાના મૂડમાં હતા, આવા સમયે આયોજિત થયેલી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના સુપડા સાફ થઈ ગયા હતા. કેટલીક પંચાયતોમાં તો ભાજપના સભ્યોને ચૂંટણી જીતવા માટે ફાંફા પડી ગયા હતા. જૂનાગઢ જિલ્લા પંચાયતની વાત કરીએ તો વર્ષ 2015માં જૂનાગઢ જિલ્લા પંચાયતમાં ભાજપના ગણીને ત્રણ સદસ્યો ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. કોંગ્રેસે પ્રચંડ બહુમતિ સાથે જૂનાગઢ જિલ્લા પંચાયત પર કબજો જમાવી દીધો હતો અને મોટાભાગની તાલુકા પંચાયતોમાં પણ કોંગ્રેસનું શાસન પુનઃ સ્થાપિત થયુ હતું. આવી પરિસ્થિતિમાં વર્ષ 2017ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં પણ જૂનાગઢ જિલ્લાની પાંચ પૈકી ચાર વિધાનસભા બેઠકો પર પણ ભાજપના ઉમેદવારને જીતાડવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને પરિણામના દિવસે ભાજપ કેશોદ વિધાનસભા બેઠક જીતવામાં સફળ રહી હતી. આ સિવાય જૂનાગઢ, વિસાવદર, માંગરોળ અને માણાવદર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો વિજય બનીને ધારાસભા સુધી પહોંચ્યા હતાં.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં કોઈ પણ મોટા ઉલટફેર કરવા માટે પાટીદાર સમાજ સક્ષમ
હવે જ્યારે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટેનું મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે વર્ષ 2015ની માફક પાટીદાર અનામત આંદોલન સક્રિય જોવા મળતુ નથી, પરંતુ પાટીદાર સમાજના અગ્રણીઓ અને પક્ષને વરેલા ચુસ્ત કાર્યકરોને સાઈડલાઈન કરી દેવામાં આવ્યાં છે તેવો આક્ષેપ ભાજપ પર ભાજપમાં રહેલા પાટીદાર અગ્રણીઓ અને કાર્યકરો કરી રહ્યા છે, આવી પરિસ્થિતિમાં જો પાટીદાર મતદારો અંડર કરંટ સાબિત થાય તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં કોઈ પણ મોટા ઉલટફેર કરવા માટે સમાજ સક્ષમ જોવા મળી રહ્યો છે. જે રીતે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં સામેલ કરવામાં આવ્યાં છે, ત્યારથી ભાજપને વરેલા અને વર્ષોથી કાર્યકર તરીકે પક્ષની સાથે મતદારોની સેવા કરતા નેતાઓમાં હવે કચવાટ જોવા મળી રહ્યો છે. આ કચવાટ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કાર્યકર તરીકે નિષ્ક્રિયતાના રૂપમાં જોવા મળે તો એવું કહી શકાય કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફરી એક વખત પાટીદાર સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે.