જૂનાગઢઃ આગની ઘટના ગુજરાત માટે આજે વધુ એક વખત ગોજારી સાબિત થઈ છે. સુરતના તક્ષશીલા કાંડની ઘટના હજુ આંખ સામે તરવરી રહી છે ત્યાં બુધવારે મોડી રાત્રે વધુ એક કરૂણ ઘટના સામે આવી છે. અમદાવાદની હોસ્પિટલમાં ભયાનક આગમાં આઠ લોકો જીવતા સળગી ગયા છે. તેમ છતાં રાજ્ય સરકાર દાવાઓથી વધુ આજદિન સુધી કઈ જ કરી શકી નથી. સુરતના તક્ષશીલા કોમ્પ્લેક્ષમાં આવેલા કોચિંગ ક્લાસમાં માસૂમ બાળકો આગને હવાલે થયા હતા. ત્યારબાદ આજે અમદાવાદમાં કોરોના સંક્રમિત 8 દર્દીઓ આગનો ભોગ બન્યા છે. જે પ્રકારે ફાયરસેફ્ટીને લઈને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર જે ઉદાસીન વલણ દાખવી રહ્યું છે તેની આકરી કિંમત સમાન આજે વધુ આઠ લોકોનો ભોગ લેવાયો છે.
આ ઘટના બાદ ઈટીવી ભારતે જૂનાગઢ શહેરમાં આવેલી હોસ્પિટલોની તપાસ કરતા શહેરની મોટાભાગની ખાનગી હોસ્પિટલોમાં ફાયરસેફ્ટી સુવિધા જોવા મળી ન હતી. આ જોતા એવું લાગી રહ્યું છે કે, તંત્ર આંખ આડા કાન કરીને કોઈ મોટા અકસ્માતને આમંત્રણ આપવાનું નિમંત્રણ આપતું હોય તે પ્રકારે ઉદાસીનતા સેવી રહ્યું છે.
જૂનાગઢ શહેરમાં આવેલી હોસ્પિટલોની તપાસ કરતા મોટા ભાગની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધા ન હોવાનું બહાર આવ્યું છે. દરેક અકસ્માતોમાં રાજ્ય સરકાર ફરી પાછી આવી ગોઝારી દુર્ઘટના ન ઘટે તેને લઈને દાવાઓ કરતી હોય છે અને જિલ્લા વહીવટી તંત્ર પણ મુસ્તેજ બનીને કામે ચડતું હોય છે. પરંતુ, થોડા સમય બાદ સરકારની સાથે જિલ્લા વહીવટીતંત્ર પણ આળસના આસનમાં બેસી જાય છે. જેને કારણે આવા ગંભીર અકસ્માતો સતત બનતા રહે છે.
મોટાભાગની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી બાજુ પર રાખીએ તો પણ જે પ્રકારે કોમ્પ્લેક્ષમાં હોસ્પિટલો ઊભી કરવામાં આવી રહી છે તે જ પ્રથમ દ્રષ્ટિએ કસૂરવાર છે. જે કોમ્પલેક્ષ પર અવર-જવર કરવા માટે તંદુરસ્ત વ્યક્તિને પણ ખૂબ જ મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે. તેવા કોમ્પલેક્ષમાં આજે જૂનાગઢ શહેરમાં હોસ્પિટલ ધમધમી રહી છે. ન કરે નારાયણ પરંતુ જો હોસ્પિટલોમાં આગનો બનાવ બને તો દ્રશ્યો હૃદય કંપાવી મૂકે તેવા દ્રશ્યો બની શકે છે.
સમગ્ર આગકાંડ બાદ જૂનાગઢના જાગૃત નાગરિકો અને સ્થાનિક ધારાસભ્ય પણ સરકારની બેદરકારીને ખૂબ જ વખોડી રહ્યા છે તો સાથોસાથ જૂનાગઢ શહેરમાં આવેલી મોટાભાગની હોસ્પિટલોમાં ફાયરસેફ્ટીનો અભાવ જોવા મળે છે તેને તાકીદે દુરસ્ત કરીને તમામ હોસ્પિટલોને સીલ કરવા સુધીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી માંગ જૂનાગઢના બુદ્ધિજીવીઓ અને સ્થાનિક ધારાસભ્ય પણ કરી રહ્યા છે.