જૂનાગઢ: શહેરમાં રાજાશાહી વખતના વર્ષો પુરાણા મકાનો આવેલા છે. શહેરના કોર્પોરેશન વિસ્તારમાં લોકો જીવના જોખમે વસવાટ કરી રહ્યા છે. અનેક મકાનો મોટી તિરોડાના લીધે જર્જરીત બન્યા છે. આથી જર્જરીત મકાનો ચોમાસાના સમયે ભારે વરસાદના પગલે ધરાશાયી થાય તો મોટી દુર્ઘટનાનો ભય ઉભો થાય તેમ છે.
શહેરના કોર્પોરેશન વિસ્તારમાં અંદાજિત 70 જેટલા ભયજનક અને જર્જરિત કહી શકાય તેવાં મકાનો અને ઇમારતો આવેલા છે. આવી ઇમારતો અને જર્જરિત મકાનો કોઈ મોટા અકસ્માતને આમંત્રણ આપી શકે છે, પરંતુ મકાન માલિક અને ભાડુઆતઓ દ્વારા કાયદાની આંટીઘૂંટીમાં સમગ્ર મામલો અટવાયેલો જોવા મળી રહ્યું છે.
તેની સામે કોર્પોરેશન આવા ભયજનક મકાનોને ઉતારી લેવા માટે નોટિસ આપવાથી વધુ કશું કરી શકે તેમ નથી. આવી પરિસ્થિતિમાં જુના ભાડુઆતો અને મકાન માલિકો કોઈ સંભવિત અકસ્માતની ઘટના ઘટે તે પહેલા તેનું નિરાકરણ સમજદારીથી લાવે તો મોટા અકસ્માતને નિવારી શકાય તેમ છે. અમદાવાદમાં થોડા દિવસ અગાઉ એક જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતા તેમાં એક યુવાને તેનો જીવ ગુમાવાવાનો વારો આવ્યો હતો.
આવા જ જર્જરિત મકાનો રાજ્યમાં વધુ અકસ્માતો નોતરી શકે છે. તેને લઈને લોકો અને વહીવટી તંત્રે જાગૃત થવું ખૂબ જ અનિવાર્ય છે. આવી પરિસ્થિતિમાં જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં અંદાજિત 70 કરતાં વધુ મિલકતો અને ઇમારતો છે. જે 100 વર્ષની આસપાસ જૂની હોવાનું અને આ તમામ ઇમારતો જર્જરિત હોવાનું બહાર આવ્યું છે.
જે તમામને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપીને ભયજનક ઇમારતો ઉતારી લેવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી તાકીદ પણ કરવામાં આવી રહી છે. પરંતુ ઇમારતો 100 વર્ષ પહેલાં બની હોવાથી અને તેમાં જુના ભાડુઆત હોવાને કારણે મકાનમાલિક આવી મિલકતના રિનોવેશનને લઈને કોઈ નિર્ણય લઈ શકતા નથી. જુના ભાડુઆતો ખૂબ જ મામૂલી કહી શકાય તેવા બે રૂપિયાથી લઇને દસ રૂપિયા સુધીના ભાડા મકાન માલિકને ચૂકવી રહ્યા છે. આટલી મામૂલી રકમના ભાડામાં કોઈપણ ઇમારતને રિનોવેશન કરવી તેના મકાન માલિક માટે પણ ખૂબ જ ખર્ચાળ બની રહે છે.
બીજી તરફ જુના ભાડુઆત કાયદાની આંટીઘૂંટીમાં ભયજનક કહી શકાય તેવા મકાનો ઘરો અને ઇમારતોમાં આજે નિવાસ કરી રહ્યા છે. દર વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભયજનક ઇમારતો નક્કી કરવામાં આવે છે, અને તેને ઉતારી લેવા માટે નોટિસ પણ આપવામાં આવે છે, પરંતુ મોટાભાગની ઈમારતોમાં જુના ભાડુઆત હોવાને કારણે તે ખાલી થઈ શકતી નથી અને બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જર્જરિત ઈમારતોને નોટિસ આપવા સુધીની મર્યાદિત સત્તાઓ છે.
આવી પરિસ્થિતિમાં જૂનાગઢ શહેરમાં 100 વર્ષ કરતાં પણ વધુ જૂની અને જર્જરીત ઇમારતો આજે પણ કોઈ મોટા અકસ્માતને નિમંત્રણ આપવા માટે ઊભી હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે.