- આજે મંગળ અને શુક્ર ગ્રહ જોવા મળશે એકબીજાની ખૂબ જ નજીક
- મંગળ અને શુક્ર ગ્રહની યુતિ સિંહ રાશિમાં થવા જઈ રહી છે
- મંગળ અને શુક્રની યુતિનો ખગોળીય નજારો પૃથ્વી પરથી પણ સ્પષ્ટ જોવા મળશે
જૂનાગઢ: આજે 13 જૂલાઈના રોજ એક ખગોળીય ઘટના અવકાશમાં આકાર પામી રહી છે. આજે મંગળ અને શુક્ર ગ્રહની યુતિનુ સર્જન થવા જઈ રહ્યું છે. આ યુતિ સિંહ રાશિમાં થઈ રહી છે. જેને લઇને 12 રાશિના જાતકો પર યુતીની કેટલીક અસરો જોવા મળી શકે છે. આજના દિવસે મંગળ અને શુક્ર ગ્રહ વચ્ચેનું અંતર 0.5 અંશ કરતાં પણ ખૂબ ઓછું હોવાને કારણે ગ્રહોની યુતિ પૃથ્વી પરથી સ્પષ્ટ જોવા મળી શકે છે. જ્યોતિષીઓના મત મુજબ મંગળ ગ્રહ 10 જુલાઇના રોજ અને શુક્ર ગ્રહ 12 જુલાઈના રોજ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જેને લઇને આ બંને ગ્રહોની યુતિ સિંહ રાશિમાં થવા જઈ રહી છે. 12 જુલાઈ બાદ શુક્ર સૂર્યથી દૂર અને મંગળ સૂર્યની વધુ નજીક ખસતો પણ જોવા મળશે. 11થી 14 જુલાઇ દરમિયાન મંગળ અને શુક્રની યુતિની વચ્ચે એક પાતળો ચંદ્ર પણ જોડાઈ શકે છે. જેને કારણે આ બંને ગ્રહોની યુતિ પૃથ્વી પરથી ખૂબ જ સારી રીતે જોઈ શકાય છે.
આ પણ વાંચો:ત્રણ સદી બાદ આજે સૂર્યાસ્ત બાદ શનિ અને ગુરુ ગ્રહ એકબીજાથી ખૂબ જ નજીક જોવા મળશે
મંગળ અને શુક્રની યુતિ 12 રાશિના જાતકો પર કર્મને આધારે ફળ આપતી હોય છે
સમગ્ર ગ્રહ મંડળમાં સામેલ મંગળ ગ્રહને સેનાપતિ ગ્રહ તરીકે માનવામાં આવે છે, તો શુક્ર ગ્રહને સુખ અને વૈભવના ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. સેનાપતિ અને વૈભવ ગ્રહ વચ્ચે થઇ રહેલી યુતિ દેશ અને દુનિયા પર કેટલીક શુભાશુભ અસરો પણ છોડી શકે છે. હાલ સમગ્ર વિશ્વમાં મહામારી ચાલી રહી છે, જે પૈકીની કેટલીક મહામારી આપણા ધર્મગ્રંથોમાં કરવામાં આવેલાં વર્ણન મુજબ ગ્રહ દશાને કારણે પણ થતી હોય છે તેવું માનવામાં આવે છે. શુક્ર ગ્રહને દાનવોના ગ્રહ તરીકે ગ્રહ મંડળમાં માનવામાં આવે છે. મંગળ ગ્રહ સેનાપતિ હોવાને કારણે કેટલાક કર્મને આધીન ખરાબ ફળ પણ આપતો હોય છે. પરંતુ કર્મને આધિન કેટલાક ઉત્તમ ફળો પણ મંગળને આધીન મળી આવ્યા છે. તેવું જ્યોતિષશાસ્ત્ર સાથે સંકળાયેલા પંડિતો સ્પષ્ટપણે માની રહ્યા છે. ત્યારે મંગળ અને શુક્રની થઈ રહેલી યુતિ બાર જાતિઓના જાતકોને તેમના કર્મને આધારે શુભ કે અશુભ ફળ આપતો હોય છે.
આ પણ વાંચો:આકાશમાં દેખાઈ ખગોળીય ઘટના, લોકો થયા રોમાચિંત, જાણો વિગતે
સેનાપતિ સારો તો કર્મનું ફળ પણ સારું, જ્યોતિષશાસ્ત્રમાં જોવાઈ રહ્યું છે
કોઈપણ વ્યક્તિને તેમના કર્મને આધારે ગ્રહ દશાના સારા કે ખરાબ પરિણામો ભોગવવા પડતા હોય છે, ત્યારે જયોતિષશાસ્ત્ર સાથે સંકળાયેલા જ્યોતિષાચાર્ય પણ સ્પષ્ટ માની રહ્યા છે કે, જેમનો સેનાપતિ ગ્રહ એટલે કે મંગળ જેટલો પ્રબળ એટલા ખૂબ સારા પરિણામો જે તે રાશીના જાતકોને મળી શકે છે. પરંતુ કોઈપણ રાશીના જાતકોનો મંગળ ગ્રહ નીચનો કે ખરાબ હોય તો આવા રાશીના જાતકોને મંગળ ગ્રહના દુષ્પરિણામોનો પણ સામનો કરવો પડી શકે છે. પરંતુ મંગળ અને શુક્ર ગ્રહની યુતિથી મોટા ભાગે તમામ રાશિના જાતકો માટે સારું કે મધ્યમ ફળ જોવા મળી શકે છે. જ્યોતિષાચાર્ય એવું પણ માની રહ્યા છે કે, આજે મંગળ અને શુક્રની યુતિ સર્જાઇ રહી છે જેનાથી સમગ્ર વિશ્વને કોરોના જેવી મહામારીમાંથી બહાર નીકળવા માટેનો કોઈ માર્ગ પણ મળી શકે છે.