- વન વિભાગની પકડમાં રહેલા 5 સિંહોને મુક્ત કરાવવા સિંહ પ્રેમીઓ મેદાને
- ધારી ગીર પુર્વના વન અધિકારીઓને સિહોને પરત છોડવા આપ્યું આવેદનપત્ર
- સિંહ પ્રેમીઓનો રોષ અમરેલીના સાંસદ નારણ કાછડીયા સામે પણ માફી માંગવાની કરી વાત
અમરેલી: થોડા દિવસ પૂર્વે ગીર પુર્વની રાજુલા રેન્જના કોવાયા વિસ્તારમાંથી પાંચ જેટલા સિંહોને વન વિભાગે રેસ્ક્યૂ કરીને તેના કબજામાં આજ દિન સુધી રાખ્યા છે. જેને લઇને હવે રાજ્યના સિંહ પ્રેમીઓમાં વનવિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યના સિંહ પ્રેમીઓએ ગુરુવારે ગીર પુર્વના વન અધિકારીઓને આવેદનપત્ર આપીને તેમની પકડમાં રહેલા સિંહોને તાકીદે ફરી કોવાયા વિસ્તારમાં મુક્ત કરવામાં આવે તેવી માગ કરી છે. જો વન વિભાગ સિંહોને છોડવામાં આનાકાની કરશે તો સિંહ પ્રેમીઓ સમગ્ર રાજ્યમાંથી એકઠા થઈને વન વિભાગ સામે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ સિંહ પ્રેમીઓએ ઉચ્ચારી છે.
આ પણ વાંચો: ગીર સોમનાથમાં નદી પાર કરતા સિંહ પરિવારનો વીડિયો બન્યો આકર્ષણનું કેન્દ્ર
અમરેલીના સાંસદ વિરુદ્ધ પણ સિંહ પ્રેમીઓમાં ભારે ભાર રોષ
અમરેલીના સાંસદ નારણ કાછડીયાએ બુધવારે સિંહને લઈને એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની રાજ્યના વન પ્રધાન સાથે ટેલિફોનિક વાતચીત થયેલી છે અને વન વિભાગે જે સિંહોને પકડ્યા હતા તે તમામને ફરી તે જ વિસ્તારમાં મુક્ત કરી દીધા છે. સંસદ નારણ કાછડિયાનુ આ નિવેદન સિંહ પ્રેમીઓ આઘાત જનક માની રહ્યા છે અને જણાવી રહ્યા છે કે, નારણ કાછડિયા સિંહપ્રેમીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જો તેમની પાસે સિંહોને મુક્ત કરાયેલા છે તેવા પુરાવો હોય તો સામે આવે અન્યથા તેઓ વિના વિલંબે માફી માગે તેવી માંગ પણ સિંહ પ્રેમીઓએ કરી છે. સિંહોને મુક્ત કરાવવાને લઈને સિને પ્રેમીઓ આંદોલનના માર્ગ પર ચાલી રહ્યા છે. આગામી દિવસોમાં સિંહોને મુક્ત કરાવવાને લઈને કોઈ આંદોલન થાય તો નવાઇ નહીં.