- ભાજપ પ્રમુખના અભિવાદન સમારોહમાં સોશિયલ ડસ્ટન્સનો અભાવ
- સરકારી ગાઈડલાઈનનો કાર્યકરોએ કર્યો ભંગ
- શહેર ભાજપ પ્રમુખના અભિવાદન સમારોહમાં સામાજિક અંતરના ધજાગરા
જૂનાગઢ: જૂનાગઢ શહેરના નવનિયુક્ત ભાજપ પ્રમુખ પુનિત શર્માની વરણી થયા બાદ તેનો અભિવાદન સમારોહ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં યોજવામાં આવ્યો હતો. જેમાં કોરોના ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.
એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં યોજાયો સમારોહ
બે દિવસ પહેલા પ્રદેશ ભાજપ દ્વારા જૂનાગઢ શહેર પ્રમુખ તરીકે કોર્પોરેટર પુનિત શર્માની વરણી કરી હતી. જેનો અભિવાદન સમારોહ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં યોજાયો હતો. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને લઈને જે ગાઈડલાઈન અને દિશા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે તેનો ભંગ થતો જોવા મળ્યો હતો. જે પ્રકારે ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ સામાજિક અંતરનો ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળી રહ્યા હતા તે દિવાળીના તહેવારોમાં ચિંતાજનક માનવામાં આવી રહ્યું છે.
કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કેટલાક દિશાનિર્દેશો જાહેર કર્યા છે ત્યારે આ નિયમોનો ભંગ કરનાર પ્રત્યેક વ્યક્તિને દંડ કરવા સુધીની જોગવાઇ કરવામાં આવી છે અને કેટલાક નસીબદાર લોકો દંડ ભરી પણ ચૂક્યા છે. પરંતુ જો આ જ પ્રકારનો કોઈ ગુનો સરકાર દ્વારા સ્થાપિત કરવામાં આવેલા દિશાનિર્દેશોનો ભંગ કોઈ રાજકીય પક્ષના કાર્યકર કરે તો તે નસીબના બળિયા હોય તે પ્રકારે હજુ સુધી તેમને દંડ ફટકારવામાં આવ્યો નથી. સરકારી નિયમોનો અમલ અને દંડ કરવાની જોગવાઈ સામાન્ય લોકો અને રાજકીય પક્ષના કાર્યકરો માટે અલગ-અલગ હોય છે તે આ દ્રશ્યો પુરવાર કરે છે.