જૂનાગઢઃ મનપાના મેયર ધીરુ ગોહિલે જૂનાગઢ કોર્પોરેશનના ઈતિહાસનો સૌથી પારદર્શક અને આવકારદાયક નિર્ણય કર્યો છે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અંદાજિત 20 કરોડ કરતાં વધુના ખર્ચે માર્ગોનું નવીનીકરણ અને કેટલાક અન્ય માર્ગોનું સમારકામ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનારી છે.
શહેરમાં કરોડોના ખર્ચે જે કામ થઇ રહ્યું છે, તેમાં પારદર્શી રીતે કામ થાય તે માટે આવકારદાયક પગલું ભરવાનો નિર્ણય મેયરે કર્યો છે. જે માર્ગોનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે, તેવા તમામ માર્ગો પર જાહેરમાં કામ કરનારા કોન્ટ્રાક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સહિત તમામ કામની વિગતો જાહેરમાં પ્રદર્શિત કરવાનો નિર્ણય કર્યો છે અને સમગ્ર કામમાં લોકો પણ પોતાની ભાગીદારીથી આગળ આવે તેવો આગ્રહ જૂનાગઢના પ્રથમ નાગરિક ધીરુભાઈ ગોહેલે કર્યો છે,
જે માર્ગોનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે તેવા તમામ માર્ગો પર કામની વિગત કામનો અંદાજીત ખર્ચ કામ કરનારા કોન્ટ્રાક્ટર અને કંપનીનું નામ અને તેના નંબરો તેમજ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓના નંબર જાહેર માર્ગોપર પ્રદર્શિત રહે તે રીતે લગાવવાનો નિર્ણય કર્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું છે કે, જો કોઈ પણ જગ્યા પર માર્ગના કામોમાં કોઈ ગેર રીતે કે કામ નબળું થતું હોય તો ઉપરોક્ત બેનરમાં દર્શાવેલા નંબર પર કોઈ પણ નાગરિક તાકીદે કોર્પોરેશનના અધિકારીઓનું ધ્યાન દોરી શકે છે. જેને લઇને કામની ગુણવત્તામાં સુધારો કરી શકાય.