જૂનાગઢઃ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ થોડા દિવસો અગાઉ સૌરાષ્ટ્રના પ્રવાસે હતા. આ પ્રવાસની શરૂઆત સોમનાથ જિલ્લામાંથી કરવામાં આવી હતી. ત્યારબાદ પાટીલ જૂનાગઢ આવ્યા હતા અને અંતિમ તબક્કામાં રાજકોટ પણ ગયા હતા. પાટીલની આ સૌરાષ્ટ્ર મુલાકાત પૂર્ણ થયા બાદ રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. વિવિધ સ્થળોએ કોંગ્રેસે સી.આર.પાટીવને આડે હાથ લીધા છે અને તેમણે સોશિયલ ડિસ્ટન્સનું ભંગ કર્યાના આક્ષેપો પણ કર્યા છે, ત્યારે જૂનાગઢ કોંગ્રેસે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સી.આર.પાટીલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.
જૂનાગઢ કોંગ્રેસે કલેક્ટરને પાઠવ્યું આવેદન
- સી.આર.પાટીલની રેલીને લઇને અપાયું આવેદન
- આવેદનમાં સરકારના દિશા-નિર્દેશોનો ભંગ થયાના કરાયો આરોપ
- આવેદનમાં સી.આર.પાટીલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની કરાય માગ
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે જે પ્રકારે મોટરકારની સાથે કાર્યકરોનો હુજુમ ચાલી રહ્યો હતો, તે પરિસ્થિતિમાં સરકાર અને ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા જાહેર કરવામાં આવેલા દિશા-નિર્દેશોને ભંગ થવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સરકાર તમામ દિશા-નિર્દેશોનું પાલન માટે કડક કાર્યવાહીની વાત કરી રહી છે, તો બીજી તરફ તેમના જ કાર્યકરો સરકારના દિશા-નિર્દેશોનો છેડ ચોક ભંગ કરીને સરકારે બનાવેલા કાયદાની મજાક ઉડાવતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જેને લઈને જૂનાગઢ કોંગ્રેસે સી.આર.પાટીલ અને ભાજપ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માગ કરતું આવેદન પત્ર કલેક્ટરને પાઠવ્યું હતું.