જૂનાગઢઃ અરબી સમુદ્રમાં આકાર લઈ રહેલા ચોમાસા પૂર્વેના વાવાઝોડાને લઈને હવામાન વિભાગે 30 થી 40 કિ.મી.ની ઝડપે પવનની સાથે વરસાદની આશંકાઓ વ્યક્ત કરી છે. વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દીવ અને દ્વારકા સહિતના કેટલાક વિસ્તાર અસરગ્રસ્ત બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
વાવાઝોડાંને પગલે દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાની સાથે મધ્યમ પ્રકારનો વરસાદ પણ વરસી શકે છે. વાવાઝોડું અરબી સમુદ્રમાં સ્થિર થવાની શક્યતાઓ છે પણ જો આગામી દિવસોમાં આગળ વધશે તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ અને કેટલાક ગામોમાં ચોમાસા પૂર્વેનો કમોસમી વરસાદ પણ વરસે તો થોડેઘણે અંશે નુકશાનીની શક્યતાઓ છે.