- ચાર મહિના બંધ રહ્યા બાદ ફરી એક વખત તમામ પ્રવાસીઓ માટે સાસણ સિંહ દર્શન માટે આજથી ફરી ખૂલ્લું મૂકાયું
- આજથી લઈને 22 તારીખ સુધી તેમ જ દિવાળીના તમામ તહેવારોમાં ઓનલાઈન પરમીટનું એડવાન્સ બુકિંગ થયું ફૂલ
- કોરોના સંક્રમણની તમામ ગાઈડલાઈનના પાલન કરવાની સાથે પ્રવાસીઓને જંગલમાં સિંહ દર્શન માટે અપાઈ મંજૂરી
જૂનાગઢઃ ચાર મહિના બંધ રહ્યા બાદ ફરી એક વખત સાસણ સિંહ સદન તમામ પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકે તે માટે આજે 16 ઓક્ટોબરના દિવસે ફરી એક વખત પ્રવાસીઓ માટે ખૂલ્લું મુકવામાં આવ્યું છે. 15 જૂન સાંજે 5 વાગ્યે અંતિમ વખત સિંહ દર્શન માટે પ્રવાસીઓ સાસણ જંગલની અંદર જતા હોય છે. ત્યારબાદ ચોમાસાના ચાર મહિના અને આ સમય દરમિયાન સિંહોની સંવવન ઋતુ શરૂ થતી હોય છે, જેને લઇને જંગલ તમામ પ્રવાસીઓ માટે ચાર મહિના સુધી બંધ રાખવામાં આવતું હોય છે. આ પરંપરા સાસણમાં સિંહ દર્શન શરૂ થયું ત્યારથી અમલમાં મૂકવામાં આવી છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ગીરના સિંહોને જોવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ સાસણ તરફ મુકામ કરતા હોય છે.
આ પણ વાંચો- અલાસ્કામાં આજથી 15 દિવસ માટે ભારત-અમેરિકાનો સંયુક્ત સૈન્ય અભ્યાસ
પ્રવાસીઓએ કોરોના સંક્રમણની ગાઈડલાઈનનું (Corona Guideline) પાલન કરવું પડશે
કોરોના સંક્રમણની તમામ તકેદારી સાથે સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓને જંગલમાં નિયમ મુજબ પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો આજથી સાસણ સિંહ સદન ખાતે ફરી એક વખત જંગલના રાજા સિંહને જંગલમાં મુક્તપણે વિહારતા જોવા પ્રવાસીઓનો ધસારો જોવા મળે છે. આજે વહેલી સવારે સાસણ નાયબ વન સંરક્ષક ડો. મોહન રામ દ્વારા પ્રવાસીઓના પ્રથમ જથ્થાને વિધિવત રીતે ફ્લેગ ઓફ આપીને જંગલમાં સિંહ દર્શન માટે રવાના કરાયા હતા. સમગ્ર સિંહ દર્શન દરમિયાન તમામ પ્રવાસીઓએ વનવિભાગ દ્વારા આપવામાં આવેલા દિશાનિર્દેશો અને કોરોના સંક્રમણની ગાઈડલાઈનનું (Corona Guideline) પાલન કરવાની ફરજ સાથે જંગલમાં સિંહ દર્શન માટે જવા દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- દિવાળીને ધ્યાનમાં રાખી ગુજરાત ST વિભાગ 29 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી વધારાની 250 બસ દોડાવશે
સાસણમાં પ્રતિદિન 180 અને દેવળિયા સફારી પાર્ક માટે પ્રતિદિન 70 પરમીટ સિંહ દર્શન માટે આપવાનું આયોજન
સાસણમાં સિંહ દર્શન પ્રવાસીઓ કરી શકે તે માટે 180 જેટલી ખૂલ્લી જિપ્સીનું આયોજન વનવિભાગ કરતું હોય છે. આજથી લઈને આગામી 22 તારીખ સુધી પ્રતિદિન 180 ઓનલાઇન પરમિટ ઈશ્યુ થઈ છે. સાથે સાથે દિવાળીના તહેવારોમાં પણ અત્યારથી જ સિંહ દર્શન માટેની તમામ પરમીટ કે, જે ઓનલાઈન આપવામાં આવે છે. એ તમામ ફૂલ થઈ ગઈ છે. વધુમાં સાસણ નજીક આવેલું દેવળિયા સફારી પાર્ક (Devlia Safari Park) પણ સિંહ દર્શન માટે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બનતું જોવા મળ્યું છે. અહીં પણ પ્રતિદિન 70 જેટલી જિપ્સીનું આયોજન વન વિભાગે કર્યું છે. દેવળિયા સફારી પાર્કમાં જવા માટેની ટિકિટ ઓનલાઈન અને સાસણ સિંહ સદન ખાતેથી પણ પ્રવાસીઓને મળી શકે છે. એક માત્ર સાસણમાં સિંહ દર્શન કરવા માટેની તમામ પરમિટ ઓનલાઈન આપવામાં આવે છે.