- કોરોના સંક્રમણને કારણે ગિરનાર રોપ-વે પર તકેદારીનું ચુસ્ત પાલન
- વિભાગીય પોલીસ અધિક્ષકે લીધી રોપ-વે સાઇટની મુલાકાત
- માસ્ક, સેનેટાઇઝર અને સામાજિક અંતર જેવી બાબતોનો કરાયો ચુસ્તપણે અમલ
જૂનાગઢઃ કોરોના સંક્રમણ તેના બીજા ફેઝમાં વધુ ઘાતક રીતે આગળ વધી રહ્યું છે. રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ પણ અમલમાં મૂકવામાં આવ્યો છે ત્યારે જૂનાગઢમાં બનેલા અને એશિયાના સૌથી લાંબા ગિરનાર રોપ-વે પર કોરોના સંક્રમણ ફેલાય નહીં તેની તકેદારી તેમજ તેના ચૂસ્ત પાલન માટે વિભાગીય પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જાડેજાએ રોપ-વે સાઇટની મુલાકાત કરી હતી. વ્યવસ્થાઓ અને તમામ તકેદારીનું ચુસ્ત પાલન થાય તેના માટે ગિરનાર રોપ-વેનું સંચાલન કરતી ઉષા બ્રેકો કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપીને તમામ તકેદારીનું ચુસ્ત પાલન થાય તે માટે સૂચનાઓ પણ આપી હતી.
રોપ-વે સાઈટ પર કોરોના સંક્રમણની તમામ તકેદારીઓ માટે પ્રવાસીઓને કરાયા સાવચેત
ગિરનાર રોપ-વે પર મોટી સંખ્યામાં દિવાળીના તહેવાર દરમિયાન યાત્રિકો જોવા મળતા હતા. જે પાછલા બે દિવસથી ક્રમશઃ ખૂબ જ ઘટી રહ્યા છે. પરંતુ જે પ્રકારે કોરોના સંક્રમણ વધુ ઘાતક રીતે આગળ વધી રહ્યું છે તેને ધ્યાને રાખીને રોપ-વે સાઇટ પર આવતા પ્રત્યેક પ્રવાસીને ફરજિયાત માસ્ક, સેનીટાઇઝર અને બે પ્રવાસીઓ વચ્ચે નિર્ધારિત કરવામાં આવેલા અંતરનું ચોક્કસ પાલન કરાવવા માટે ઉષા બ્રેકો કંપની દ્વારા ગાર્ડનને રોકવામાં આવ્યા છે. આ ગાર્ડ લાઉડ સ્પીકરના ઉપયોગથી અહી આવતા તમામ પ્રવાસીઓને જે સૂચનાઓ સરકાર અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે તેનું પાલન કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે અને સરકારની ગાઈડલાઈન મુજબ પ્રત્યેક પ્રવાસીઓને રોપ-વે સાઈડમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.