- સતત ઓક્સિજનની વધતી જતી માગને પગલે વિનામૂલ્યે સેવા શરૂ કરાઈ
- અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન સેવાનો પ્રારંભ
- પ્રતિદિન 40થી લઇને 60 ઓક્સિજન સિલિન્ડરો વિનામૂલ્યે આપવામાં આવી રહ્યા છે
- આગામી દિવસોમાં ઓક્સિજનની સ્થિતિ પૂર્વવત ન બને ત્યાં સુધી સેવા શરૂ રાખવાનો નિર્ધાર
- અર્હમ સેવા યુવા ગ્રુપ દ્વારા જુનાગઢમાં ઓક્સિજન સેવા યજ્ઞનો પ્રારંભ કરાયો છે
જૂનાગઢઃ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આગામી દિવસોમાં કોરોના સંક્રમણ વધુ બેકાબૂ ન બને તેમજ સંક્રમણને કારણે કોઈપણ વ્યક્તિને ઓક્સિજનની આકસ્મિક પરિસ્થિતિનો સામનો ન કરવો પડે તેવા ઉમદા આશયથી જૂનાગઢના અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન વિતરણ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અહીં આવતા પ્રત્યેક દર્દીના પરિજનોને વિનામૂલ્યે ઓક્સિજન આપવાની શરૂઆત કરવામાં આવી છે. કોરોના સંક્રમણની બીજી લહેર ખૂબ જ ભયજનક રીતે આગળ વધી રહી છે આવા સમયે ઓક્સિજનની તીવ્ર અછત સામે આવતી જોવા મળી રહી છે, ત્યારે કોઈપણ વ્યક્તિને ઓક્સિજન માટે મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેને લઈને વિના મૂલ્યે ઓક્સિજન મહાયજ્ઞની શરૂઆત કરાવી છે.
આ પણ વાંચોઃ ભાવનગર શહેર બાદ જિલ્લામાં વધુ એક યુવાનની પ્રાણવાયુ ઓક્સિજનની સેવાઃ 5માંથી 70 સિલિન્ડર સુધી યજ્ઞ
ઓક્સિજન સેવાથી સંક્રમિત દર્દીઓના પરિવારજનોમાં પણ જોવા મળે છે હાસકારો
કોરોનાની બીજી લહેરમાં જે પ્રકારે સતત દર્દીઓની સંખ્યા વધી રહી છે, તે રીતે બીજી લહેરમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓને ઓક્સિજનની પુષ્કળ પ્રમાણમાં જરૂરીયાત ઉભી થઇ રહી છે. મોટાભાગના દર્દીઓ ઓક્સિજન વગર મોતને ભેટી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સરકારી તંત્ર કે હોસ્પિટલ ઓક્સિજનની તાતી જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ જોવા ન મળે આવી પરિસ્થિતિમાં પ્રત્યેક દર્દીને ઓક્સિજન મળી રહે તે માટે અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા આ વિનમ્ર પ્રયાસ કરાયો છે. અહીંથી ઘરે હોમ આઈસોલેટ થયેલા દર્દીઓ તેમજ કોઈપણ વ્યક્તિ જે કોરોના સંક્રમિત છે તેને અહીંથી વિનામૂલ્યે ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે અને આ પ્રકારની વિનામૂલ્યે ઓક્સિજન સેવાયજ્ઞ જ્યાં સુધી કોરોનાની ગંભીરતા ચાલુ રહે ત્યાં સુધી શરૂ રાખવાનો નિર્ધાર અર્હમ સેવા યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે.