- ટિકિટ ફાળવણીને લઇને અસંતોષ રાજીનામાંમાં પરિણમ્યો
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માંગરોળ તાલુકા ભાજપમાં અસંતોષ
- પૂર્વ તાલુકા પ્રમુખ રામજી ચુડાસમાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું
- જિલ્લા પંચાયતની સીલ બેઠક પરથી તેમના ધર્મ પત્ની શિલ્પાબેને નોંધાવી અપક્ષ ઉમેદવારી
જૂનાગઢઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના નામોની જાહેરાત થતાં જ જૂનાગઢ ભાજપમાં ધીમે ધીમે અસંતોષ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લા પંચાયત નીચે આવતી સીલ બેઠક પરથી ભાજપે પૂર્વ ધારાસભ્ય ભગવાનજી કરગટિયાના ધર્મ પત્ની પ્રભાબેનને ઉમેદવાર બનાવતાં રામજી ચુડાસમા ભાજપ સામે બળવો કરીને પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું. તેમજ તેમના ટેકેદારો સાથે અપક્ષમાં ઉમેદવારી કરવાની પણ જાહેરાત કરી દીધી છે. શીલ બેઠક પરથી રામજી ચુડાસમાએ પોતાના ધર્મપત્ની શિલ્પા ચુડાસમાનું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ રજૂ કરી દીધું છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપમાં ધીરે ધીરે બહાર આવી રહ્યો છે અસંતોષ
એક અઠવાડિયા અગાઉ શાપુરના પાટીદાર અગ્રણી અને વર્ષ 2017માં માણાવદર વિધાનસભા બેઠક લડેલા ભાજપના ઉમેદવાર નિતીન ફળદુએ પણ પક્ષની નીતિ અને રીતી સામે વિરોધ વ્યક્ત કરીને પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. ત્યારબાદ માંગરોળ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રામજી ચુડાસમાએ પણ ટિકિટ ફાળવણીને લઇને અસંતોષ થતાં રાજીનામું ધરી દીધું છે. ગત તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો કારમો રકાશ થયો હતો, ત્યારે આ વર્ષે ટિકિટ ફાળવણીને લઇને પ્રથમ વખત જૂનાગઢ જિલ્લા ભાજપમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જેની વિપરીત અસર ચૂંટણીના પરિણામો પર પડતી જોવા મળે તો નવાઈ નહીં.