- જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રીએ નારાજગી વ્યક્ત કરીને આપ્યું પક્ષમાંથી રાજીનામું
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નિતિન ફડદુએ પક્ષ સાથે છેડો ફાડતા રાજકારણ ગરમાયુ
- રાજીનામાનો પત્ર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને મોકલી આપ્યો
જૂનાગઢ: જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી નિતિન ફડદુએ ભાજપ સાથે છેડો ફાડતો પત્ર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મોકલી આપ્યો છે. જેને લઇને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાઈ રહ્યું છે. આગામી દિવસોમાં જૂનાગઢ જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે, ત્યારે ગત ટર્મમાં કોંગ્રેસમાંથી જીતીને હાલ ભાજપમાં સામેલ થયેલા કેટલાક સદસ્યોને લઈને ભાજપના કાર્યકરોમાં નિરાશા હોઈ શકે છે. જેને કારણે નિતિન ફડદુએ ભાજપમાંથી રાજીનામું આપ્યાનો ક્યાષ લગાવવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નિતિન ફડદુના ભાઈ કોંગ્રેસમાં સક્રિય સભ્ય તરીકે કામ કરી રહ્યા છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે પક્ષના સંગઠનથી લઈને તેના પ્રચાર સુધીનું કામ પૂરજોશમાં કરી રહ્યા છે. જેને લઈને નિતિન ફડદુએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હોવાનો અંદાજ લગાવાઇ રહ્યો છે.
30 વર્ષથી ફડદુ પરિવાર જિલ્લા પંચાયતની બેઠક પર વર્ચસ્વ ધરાવે છે
જિલ્લા પંચાયતની સાપુર બેઠકમાં ફળદુ પરિવાર ગત 30 વર્ષથી એક હથ્થું વર્ચસ્વ ધરાવતો હતો. વર્ષ 2016ની જિલ્લા પંચાયતની સાપુર બેઠકમાં પ્રથમ વખત કોંગ્રેસના મુકેશ કણસાગરાએ ભાજપના ઉમેદવાર નિતિન ફડદુને હરાવીને આ બેઠક કોંગ્રેસે કબજામાં લીધી હતી, પરંતુ તાજેતરમાં જ મુકેશ કણસાગરા પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. જેને લઇને નિતિન ફડદુના રાજીનામું આપવાનો સ્પષ્ટ ઈશારો થઈ શકે છે.
નિતિન ફડદુ વિધાનસભાની ચૂંટણી પણ લડી ચૂક્યા છે
નિતિન ફડદુના પિતા વાલજી ફળદુ પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે શાપુર બેઠક પરથી સતત ચૂંટણી જીતતા રહ્યા છે અને જિલ્લા પંચાયતમાં મહત્વના કારોબારી સમિતિના ચેરમેન સુધી પણ પહોંચ્યા છે, ત્યારે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં નિતિન ફડદુએ માણાવદર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગજ નેતા જવાહર ચાવડા સામે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. પરંતુ આ ચૂંટણીમાં જવાહર ચાવડા સામે તેમનો 30,000 હજાર જેટલા મતોથી પરાજય થયો હતો. ત્યારબાદ જવાહર ચાવડા પણ હવે કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે અને રાજ્ય સરકારમાં પર્યટન પ્રધાનના પદે કામ કરી રહ્યા છે. સમગ્ર મામલાને લઈને નિતિન ફડદુ સાથે ટેલિફોનિક વાતચીત થઈ હતી. તેમણે રાજીનામાના કારણો રાજીનામા પત્રમાં સ્પષ્ટ જણાવી આપ્યા છે. કેટલાક સમયથી ભાજપના સગઠન સાથે કેટલાક મુદ્દાને લઈને નારાજગી ચાલી રહી હતી, જેમાં આજે શનિવારે તેમનું રાજીનામું આવતા સમગ્ર મામલો હાલ પૂરતો શાંત પડયો છે. રાજીનામાનો પત્ર જિલ્લા ભાજપ પ્રમુખને મોકલવાની જગ્યા પર સીધો પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યું છે અને તે પણ ફેસબુકના માધ્યમથી આ બાબતને લઈને પણ નિતિન ફડદુની જિલ્લા ભાજપ સાથે કેટલી હદે નારાજગી હશે. તે સ્પષ્ટ જાણી શકાય છે કે, રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે પણ સત્તા ત્યાગની વાત ફેસબુકના માધ્યમથી જ કરી હતી, ત્યારે હવે પક્ષના સંગઠન સાથે અણગમો વ્યક્ત કરતા ભાજપના જ કેટલાક અગ્રણી નેતાઓ અને કાર્યકરો સોશિયલ મીડિયાનો પણ સહારો લઈ રહ્યા છે.
જે કંઈ પણ નારાજગી હશે તેને દૂર કરવાનો પ્રયાસ કરીશું- પ્રભારી,ભાજપ
સમગ્ર મામલાને લઇને ભાજપના પ્રભારી ગોરધન ઝડફિયાએ આ મામલો હજુ સુધી તેમના સુધી પહોંચ્યો નથી અથવા તો તેમની જાણમાં નથી તેવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો. પરંતુ તેમણે etv ભારત સમક્ષ કરેલી વાતચીતમાં એવો ભરોસો અપાવ્યો હતો કે, જે કંઈ પણ નારાજગી હશે તેને દૂર કરવાનો પ્રયાસ કરીશું. આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કાર્યક્રમમાં હોવાને કારણે તેમનો સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ જે પ્રકારે જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું સુપરત કરવાની જગ્યા પર પ્રદેશ પ્રમુખને રાજીનામા પત્ર મોકલવાની વાત જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠન માટે પણ ખૂબ જ ગંભીર સંકેતો આપી રહી છે.