અમદાવાદ: શહેરની અંદર કાયદો અને વ્યવસ્થાને સ્થિતિ કથળતી હોય તે પ્રકારના દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે. પહેલા બોપલ વિસ્તારની અંદર એક વિદ્યાર્થીની એક પોલીસકર્મી દ્વારા જ હત્યા કરી દેવામાં આવે છે, ત્યારે બીજી બાજુ ચાંદખેડામાં એક વ્યક્તિની હત્યા થઈ જાય છે. હવે ફરી અંગત અદાવતમાં જાહેરમાં ફાયરિંગ કરીને એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના: સમગ્ર ઘટનાની જો વિગતો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના નહેરુનગરમાં આવેલા ગણેશ એપાર્ટમેન્ટમાં બદાજી મોદી નામના 65 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ પોતાના ઘર પાસેના કોમ્પલેક્ષમાં શાકભાજી અને ફ્રુટનો હોલસેલનો વ્યવસાય કરતા હતા.
વેપારી પર થયું ફાયરિંગ: શનિવાર રાતના 8 વાગ્યા આસપાસ તે દુકાન પર હતા, ત્યારે બાઇક પર બુકાનીધારી 2 યુવકો ટાગોર ચોકી તરફથી આવ્યા હતા અને તેમાંથી એક યુવકને તેમની નજીક આવીને પોતાની પાસેથી રિવોલ્વર કાઢીને પોઇન્ટ બ્લેકથી બદાજીના માથા પર ફાયરીંગ કર્યું હતું, પરંતુ આ સમયે તે સાઇડમાં ખસી જતા ગોળી કાનને લાગતા ગંભીર ઇજા પહોંચી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે શાકભાજીના વેપારીનું આજે સવારે સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.
સારવાર દરમિયાન મૃત્યુ થયું: ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા બદાજીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન જ બદાજીનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતા એલિસબ્રિજ પોલીસ સ્ટેશન,સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને ક્રાઇમબ્રાંચના સ્ટાફ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને CCTV ના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતકના ભાઇનું હુમલામાં મોત: પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, બદાજી મોદીના ભાઇનું 1 વર્ષ પહેલા રાજસ્થાનમાં મર્ડર થયું હતું. જેની અદાવત લઇને આરોપીઓ સાથે તકરાર ચાલતી હતી. જેના પગલે 1 મહિના પહેલા બદાજી પર છરીથી હુમલો થયો હતો અને ત્યારબાદ તેમને સતત ધમકી આપવામાં આવતી હતી. આ અંગે એલિસબ્રીજ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: