- 2015 બાદ ચોપાટીનું નિર્માણ કાર્ય શરૂ કરાયું હતું જે આજે પણ અપુર્ણ
- તાકીદે વેરાવળ ચોપાટીનું લોકાર્પણ કરવામાં આવે તેવી સ્થાનિક લોકોની માગ
- અસામાજીક તત્વો પહોંચાડી રહ્યા છે ચોપાટીની સુવિધાઓને નુકસાન
જૂનાગઢ: વર્ષ ૨૦૧૫થી સતત વિકાસ પામતી રહેલી વેરાવળની ચોપાટી હજુ પણ લોકાર્પણ માટે લઈને રાહ જોઈ રહી છે. વર્ષ 2015 બાદ વેરાવળની ચોપાટીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ ખૂબ જ ટૂંકા ગાળામાં કામ પૂર્ણ થવાની સાથે તેને લોકાર્પણ કરવાની વાત પણ જે તે સમયે કરવામાં આવી હતી પરંતુ આજે નિર્માણ થયાને છ વર્ષ કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે છતાં ચોપાટીનું લોકાર્પણ હજી સુધી નહીં થતા વેરાવળના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં વર્ષ ૨૦૧૫થી ચોપાટીનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. નિર્માણ શરૂ થયાના બે કે ત્રણ વર્ષની અંદર ચોપાટીનું લોકાર્પણ થવાનું હતું, પરંતુ આજે કામ શરૂ થઈને છ વર્ષ કરતાં વધુ સમય વીતી ચૂક્યો છે છતાં આ ચોપાટી વેરાવળના લોકોને સોંપવામાં આવી નથી. જેને લઈને વેરાવળના સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને સ્થાનિક લોકો એવી માગ કરી રહ્યા છે કે, રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ચોપાટીનું લોકાર્પણ કરે.
આ પણ વાંચો: વેરાવળ બંદર પર માછીમારોની કફોડી હાલત, સરકાર સમક્ષ રાહત પેકેજની માગ
કરોડો રૂપિયાને ખર્ચે બનેલી ચોપાટી બિનઉપયોગી બની રહી છે
ચોપાટીનું લોકાર્પણ નહીં થતા લોકોને સુવિધા અને પ્રવાસન માટેના એક સારા સ્થળને કેટલાક અસામાજીક તત્વો નુકસાન કરી રહ્યા છે અને લોકાર્પણ પહેલા જ ચોપાટીમાં ઊભી કરવામાં આવેલી કેટલીક સુવિધાઓ અસામાજીક તત્વો દ્વારા તોડી પાડવામાં આવે છે, જેને લઇને પણ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે આ ચોપાટીનું નિર્માણ કાર્ય હાથ ધરાયુ હતુ પરંતુ લોકો ચોપાટીનો ઉપયોગ કરે તે પહેલાં જ ઊભી કરવામાં આવેલી સુવિધાઓ નષ્ટ થઇ રહી છે. ત્યારે પ્રજાના પૈસે બનાવવામાં આવેલી ચોપાટી લોકો માટે ઉપયોગી બની રહી છે અને ટેકસના કરોડો રૂપિયાનું આંધણ થઈ ચૂક્યું છે જેને લઇને વેરાવળના સ્થાનિક લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે.