જૂનાગઢઃ કોરોના વાઇરસ વિશ્વ મહામારી બની ગયો છે. જેને લઇને તમામ લોકો ચિંતિત જોવા મળી રહ્યાં છે. આ સ્થિતિમાં હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વના ગણાતા ચૈત્રી નવરાત્રી રામ નવમી અને હનુમાન જયંતીની ઉજવણી પણ કોરોના વાઇરસને કારણે બિલકુલ રદ કરી દેવામાં આવી છે. પહેલા નવરાત્રી બાદ રામ નવમી અને બુધવારે હનુમાન જયંતીની ઉજવણી બિલકુલ સાદગીથી મંદિરના બંધ કપાટની વચ્ચે કરવામાં આવી હતી.
બુધવારે જૂનાગઢના ભવનાથ સ્થિત અને આદિ-અનાદિ કાળથી બિરાજતા લંબે હનુમાન મહારાજની બંધ કપાટે આરતી ઉતારવામાં આવી હતી. જે પ્રકારે કોરોના વાઇરસ ગંભીર બની રહ્યો છે, તેને ધ્યાને રાખીને સમગ્ર દેશના તમામ મંદિરો બંધ કરવામાં આવ્યા છે. જેથી હનુમાન જયંતી જેવા પાવન પ્રસંગે માત્ર પૂજારીની હાજરી વચ્ચે કષ્ટભંજન દેવની મહાઆરતી કરવામાં આવી હતી અને સમગ્ર વિશ્વને કોરોના જેવી મહામારીમાંથી હનુમાનજી મહારાજ મુક્તિ અપાવે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.