- પૂર અસરગ્રસ્ત ઘેડ વિસ્તારની મુલાકાતે જિલ્લા વિકાસ અધિકારી
- જિલ્લા ખેતીવાડી અધિકારી સહિત તલાટી સરપંચ અને ગ્રામસેવકો જોડાયા
- આગામી દિવસોમાં સર્વે પૂર્ણ થયા બાદ ખેડૂતોને ચૂકવાઇ શકે છે નુકસાનીનું વળતર
જૂનાગઢ- ઘેડ વિસ્તારના પૂર અસરગ્રસ્ત ગામોની મુલાકાતે આજે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખની સાથે ખેતીવાડી ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ, ગામના સરપંચ, તલાટી અને ગ્રામ સેવકઓએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઇને પુરમાં થયેલી નુકસાનીનો ક્યાસ કરવામાં આવી રહ્યો છે. ગત દિવસો દરમિયાન જૂનાગઢ શહેર અને જિલ્લામાં અતિભારે વરસાદ પડયો હતો, ત્યારે ઓજત નદીમાં આવેલા ઘોડા પૂરનું પાણી ઘેડ વિસ્તારમાં ફરી વળ્યું હતું. જેના કારણે ઘેડ જળબંબાકાર જોવા મળી રહ્યો છે.
તમામ અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે પૂર્ણ થયા બાદ તેને સરકારમાં રજૂ કરવામાં આવશે
જિલ્લા પંચાયતના અધિકારી અને કર્મચારી તેમજ ગામના સરપંચ અને ગ્રામસેવકોની બનેલી કુલ અલગ-અલગ 17 જેટલી ટીમો દ્વારા ઘેડ વિસ્તારમાં નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત બાલાગામ, બામણાસા, મુળીયાસા, ઈન્દ્રાણા સહિત ઘેડના તમામ ગામોમાં પૂર બાદ ચોમાસુ પાકોને થયેલા નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તમામ અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે પૂર્ણ થયા બાદ તેને સરકારમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ ખેડૂતોને નુકસાનીનું વળતર આપવાની કામગીરી હાથ પર લેવામાં આવશે.