- ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે શનિ જયંતિ ની કરવામાં આવી રહી છે ઉજવણી
- જૂનાગઢમાં આવેલા શનિ મંદિરમાં વહેલી સવારથી ભકતો એ શરૂ કરી શનિ મહારાજની પૂજા
- આજના દિવસે શનિ મહારાજનું પૂજન કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થતું હોવાની છે ધાર્મિક માન્યતા
જૂનાગઢઃ આજે શનિ જયંતિના પાવનકારી પ્રસંગે જૂનાગઢમાં આવેલા મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તો દ્વારા શનિ મહારાજની પૂજા કરીને શનિ જયંતિની ધાર્મિક આસ્થા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ જૂનાગઢમાં આવેલા મંદિરમાં ભક્તોએ શનિ મહારાજના દર્શન કરીને પોતાની જાતને ધન્ય બનાવી હતી.
આ પણ વાંચોઃ કોરોનાના કેર વચ્ચે શનિદેવના જન્મસ્થળ હાથલામાં સાદાઈથી શનિ જયંતિની ઉજવણી થઈ
શનિ મહારાજની પૂજા કરવાથી કષ્ટોનું નિરાકરણ થાય છે
ધાર્મિક માન્યતા મુજબ શનિ જયંતિના પાવનકારી દિવસે શનિ મહારાજની પૂજા કરવાથી પ્રત્યેક વ્યક્તિના જીવનમાં કષ્ટોનું નિરાકરણ થાય છે અને તેમનું જીવન હર્ષોલ્લાસ ભર્યું બનતું જોવા મળે છે. જેને લઈને આજે વહેલી સવારથી મંદિરોમાં શનિ મહારાજના ભક્તો શનિદેવની પૂજા કરીને ધાર્મિક આસ્થા સાથે શનિ જયંતિની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
આજના દિવસે શનિ મહારાજ પર તેલ અડદ અને આંકડાની પુષ્પમાળા અર્પણ કરવાનું છે ધાર્મિક મહત્વ
શનિ મહારાજની જન્મ જયંતીના પ્રસંગે આજે ભાવિ ભક્તો દ્વારા શનિદેવને પ્રિય એવા આંકડાના પુષ્પો, આંકડાનું ફળ અને તેના પર્ણોથી બનેલી પુષ્પમાળા અર્પણ કરી હતી. આજના પાવન પ્રસંગે શનિ મહારાજ પર સરસવનું તેલ અને અડદનો અભિષેક કરવાથી પણ ખૂબ જ પુણ્યશાળી ફળ મળે છે.
આ પણ વાંચોઃ આજે શનિ જયંતિ, જાણો કેવી રીતે પ્રસન્ન કરવા શનિદેવને...
સમગ્ર દિવસ દરમિયાન શનિ મહારાજની વિશેષ પૂજા કરવામાં આવશે
આજે શનિ જયંતિના દિવસે ભાવિ ભક્તો શનિ મહારાજને તેલ, અડદ અને અન્ય નૈવેદ્યનો અભિષેક કરીને ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે શનિ જયંતિની ઉજવણી કરતા જોવા મળી રહ્યા હતા. આજે સમગ્ર દિવસ દરમિયાન શનિ મહારાજની વિશેષ પૂજા ભાવિ ભક્તો દ્વારા કરવામાં આવશે. કોરોના સંક્રમણને કારણે જાહેર કરાયેલા દિશાનિર્દેશોનું ચુસ્ત પાલન કરતાં ભાવિ ભક્તો શનિ જયંતિની ધાર્મિક રીતે ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે.