- જૂનાગઢ મનપામાં ભાજપ કોંગ્રેસ અને NCP વચ્ચે યોજાશે ત્રિપાંખિયો જંગ
- જૂનાગઢ મનપાના ખાલી પડેલા 2 વોર્ડની 2 બેઠક પર યોજાઈ રહી છે પેટા ચૂંટણી
- કોંગ્રેસમાંથી બળવો કરીને રાજુ સોલંકી NCPના બન્યા ઉમેદવાર
- પેટા ચૂંટણીમાં અંતિમ દિવસે કોંગ્રેસ અને NCPના ઉમેદવારોએ ભર્યું ઉમેદવારીપત્ર
જૂનાગઢ: મનપાના ખાલી પડેલા વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 6માં એક એક ઉમેદવારો ચૂંટણી જંગમાં જોવા મળશે. શનિવારે ઉમેદવારીપત્ર રજૂ કરવાના અંતિમ દિવસે કોંગ્રેસ અને NCPએ પોતાના ઉમેદવારીપત્ર ભરીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ મેયર લાખા પરમારે ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું, તો વોર્ડ 6 માંથી લલિત પરસાણાએ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. બીજી તરફ વોર્ડ નંબર 15માં ત્રિપાંખિયો જંગ જામે તેવી શક્યતાઓ પણ છે.
વોર્ડ નંબર 15 અને 6ના કોર્પોરેટરનું નિધન થતાં પેટા ચૂંટણી
વોર્ડ નંબર 6માં ભાજપના કોર્પોરેટર રાજુ નંદ પાણી અને ૧૫ નંબરના કોર્પોરેટર ડાયા કટારાનું અવસાન થતાં પેટા ચૂંટણીઓ આવી છે, ત્યારે ગત સામાન્ય ચૂંટણીઓમાં વોર્ડ નંબર 15 માંથી કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા રાજુ સોલંકીની હાર થઈ હતી. આ વખતે તેમણે પણ આ વોર્ડમાંથી પોતાની દાવેદારી રજુ કરી હતી, પરંતુ અંતિમ ઘડીએ કોંગ્રેસે પૂર્વ મેયર લાખા પરમારને પોતાના સત્તાવાર ઉમેદવાર જાહેર કરતાં રાજુ સોલંકી કોંગ્રેસમાંથી બળવો કરીને NCPના સત્તાવાર ઉમેદવાર બનીને ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે. જેને લઇને ચૂંટણીજંગ ત્રિપાંખિયો બની રહ્યો છે.