- સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ઝાલણસર ગામમાં ડરનો માહોલ
- ગામમાં વધતા કોરોનાના કેસોને કારણે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરાયું
- 20થી 30 જેટલા સંક્રમિત કેસો પ્રતિદિન સામે આવી રહ્યા છે
જૂનાગઢ: રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે જૂનાગઢ નજીક આવેલું ઝાલણસર ગામમાં ભયજનક માહોલની વચ્ચે બંધ જોવા મળી રહ્યું છે. કોરોના સંક્રમણને કારણે ગામના પ્રત્યેક ઘર અને બજારો સજ્જડ બંધ જોવા મળી રહી છે. ગામમાં લોકોની અવરજવર પણ એકદમ બંધ જોવા મળી રહી છે. જેને કારણે, ઝાલણસર ગામ સુમસામ બની ગયું છે. પાછલા એક અઠવાડિયાથી ગામલોકોએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. આ ગામમાં પ્રતિદિન 20થી 30 જેટલા કેસો બહાર આવતા હતા. આ દરમિયાન, 8 જેટલા લોકોના મોત પણ કોરોના સંક્રમણને કારણે થયા છે. જેને કારણે ગામમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: જૂનાગઢની દાણાપીઠ બજારમાં ફરી જાહેર કરાયું 66 કલાકનું લોકડાઉન
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળતી સવલત અપૂરતી
3500 જેટલી વસ્તી ધરાવતું ઝાલણસર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો છે પણ અહીં ખાટલે મોટી ખોટ સમાન કોઈ પણ તબીબની નિમણૂક રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી. અહીં નર્સિંગ સ્ટાફ દ્વારા ગામના લોકોને સામાન્ય પરિસ્થિતિમાં સામાન્ય દવાઓ આપવામાં આવી રહી છે. ત્યારે, કોરોનાના કપરા કાળમાં ગામના લોકો તબીબી સુવિધાઓને લઈને પણ અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. આથી, આવી પરિસ્થિતિ વચ્ચે સામાજિક સંસ્થાઓ દ્વારા ગામની નજીક કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે. જેથી ગામને તબીબી સહાય મળી રહી છે. પરંતુ, ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોવા છતાં પણ અહીં પૂરતી તબીબી સહાય આજદિન સુધી ઊભી કરવામાં આવી નથી. સરકારના દાવાઓની વચ્ચે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તબીબો વગર આજે પણ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: કોરોના સંક્રમણને ફેલાવવા માટે સરકારને જવાબદાર ઠેરવતા NCP નેતા રેશ્મા પટેલ