- મુખ્યપ્રધાન રૂપાણીએ વતન ચણાકા ગામના સરપંચ સાથે કર્યો ઈ-સંવાદ
- ગામના વિકાસ અને કોરોના સંક્રમણને લઈને મેળવી તલસ્પર્શી માહિતી
- આતો મારું ગામ જેવા સંવાદથી સરપંચ અને ગામલોકો સાથે કરી ચર્ચા
- મુખ્યપ્રધાને વતન ચાણકા ગામના લોકો અને સરપંચ સાથે કર્યો ઈ-સંવાદ CM રૂપાણીએ જૂનાગઢના ચણાકા ગામના સરપંચ સાથે કર્યો ઈ-સંવાદ, કોરોનાની સ્થિતિની મેળવી માહિતી
જૂનાગઢઃ ગ્રામ વિકાસની વાત મુખ્યપ્રધાન સાથે કાર્યક્રમ અંતર્ગત આજે સેટકોમના માધ્યમથી મુખ્યપ્રધાને રાજ્યના વિવિધ ગામના સરપંચો, આગેવાનો સાથે સંવાદ સાધી ગામડાઓના વિકાસ અને સુખાકારીની બાબતોની માહિતી મેળવી હતી. આવી જ રીતે તેમણે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામના સરપંચ અને ગામ લોકો સાથે આતો મારૂ ગામ છે તેવા શબ્દોથી ચણાકાના સરપંચ સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. મુખ્યપ્રધાને સૌને સાથે મળીને કામ કરવા આહ્વાન કરી કહ્યું કે, કોરોના હવે કિનારે આવી ગયો છે. હવે આપણે રસીકરણ માટે સજ્જ થઈ રહ્યા છીએ.
ગામના વિકાસને લઈને રૂપાણીએ તલસ્પર્શી માહિતી મેળવી
ઉમેશભાઈ બાંભરોલિયા ચણાકામાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રૂ. 1.17 કરોડના ગ્રામ વિકાસના કાર્યો પૂરા થયા હોવાની માહિતી આપી હતી. આ સાથે માત્ર 6 માસમાં રૂ. 14 લાખના ખર્ચે ગ્રામ પંચાયતનું બાંધકામ પૂર્ણ કર્યું હોવાની વિગતો મુખ્યપ્રધાન રૂપાણીને આપી હતી. વધુમાં ચાણકા ગામમાં કોરોનાના 10 કેસ નોંધાયા હતા, જે તમામ સંપૂર્ણ સ્વસ્થ થયા છે તેમ જણાવી ગામને બે વખત સંપૂર્ણ સેનિટાઈઝ કરાયું હોવાની વિગતો પણ આપી હતી. આ ઈ-સંવાદ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સેજા કટારા, જિલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી સહિતના અધિકારીઓ અને ગામના અગ્રણીઓ જોડાયા હતા.