જૂનાગઢઃ શુક્રવારને શનિ અમાવસ્યા અને શનિ જયંતીના પાવન પ્રસંગે જૂનાગઢના ભવનાથની ગિરી તળેટીમાં આવેલા શનિ મંદિરમાં ભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. હાલ લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે સરકાર દ્વારા પ્રસ્થાપિત નિયમો અનુસાર સામાજિક અંતર જળવાઈ રહે તેવી રીતે ચાર ભક્તોએ જ મંદિરમાં આયોજિત યજ્ઞમાં આહુતિ આપી હતી. ત્યારબાદ શનિ મહારાજની વિશેષ આરતી પણ કરવામાં આવી હતી. શનિ જયંતિ નિમિત્તે કોરોના વાયરસથી વિશ્વને મુક્તિ મળે તે માટે વિશેષ રૂપે યજ્ઞ આયોજીત કરાયો હતો.
જે પ્રકારે કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે તેને નાથવા માટે શનિ મહારાજ સશક્ત હોવાનો આશાવાદ ભક્તો સેવી રહ્યા છે. શનિ અમાસ અને શનિ જયંતિના પાવન પ્રસંગે ભક્તો દ્વારા કષ્ટ નિવારણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાન શનિ મહારાજને વિશેષ આરતી પણ અર્પણ કરવામાં આવી હતી. બાદમાં શનિ મહારાજ પર તેલ અને અડદના નૈવેધનો ચઢાવો પણ કરવામાં આવ્યો હતો.
સૂર્ય પુત્ર શનિદેવની સમગ્ર પૃથ્વી પર કષ્ટભંજન દેવ તરીકે પૂજા અર્ચના કરવામાં આવે છે. શનિ અમાવસ્યાના પાવન પ્રસંગે શનિ મહારાજ કોરોના વાઈરસને મહાત કરે અને સમગ્ર સૃષ્ટિને ફરીથી પુનઃજીવિત કરે તેવી પ્રાર્થના કરાઈ હતી.