અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં આવેલા ચાંદલિયા ડુંગરના મહંત લવકુશમુનિ બાપુએ ભૂમાફિયા અને આવા તત્વોને છાવરનાર રાજ્ય સરકારના ત્રાસને કારણે આત્મહત્યા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. વીડિયોમાં બાપુ કેટલાક ડૉકટરો ભૂમાફિયા અને તેને છાવરનાર રાજ્ય સરકાર સામે આક્ષેપો કરીને આગામી દિવસોમાં તેમનું જીવન ટુંકાવવાની વાત પણ કરી હતી. સમગ્ર વીડિયોમાં બાપુ તેમના આંસુઓ પણ રોકી શક્યા ન હતા. વધુમાં બાપુએ આ વીડિયો વડાપ્રધાન મોદી સુધી પહોંચાડનાર વ્યક્તિને કાર ભેટમાં આપવાની વાત કરી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા મહિના પહેલા પણ લવકુશમુનિ બાપુએ એક વીડિયો વાયરલ કરીને આત્મહત્યાની વાત કરી હતી. જે તે સમયે રાજુલા પોલીસે બાપુની ધરપકડ કરી હતી. જે બાદ બાપુએ જામીન લેવાની ના પાડતા અંતે તેમને અમરેલી જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. અંતે થોડા દિવસોની સમજાવટ બાદ સમગ્ર મામલે સમાધાન થતા બાપુ જેલમાંથી બહાર આવ્યા હતા. શુક્રવારે ફરી એક વખત બાપુએ ભૂમાફિયા, કેટલાક તબીબો અને રાજ્ય સરકાર સામે આક્ષેપો કરીને વધુ એક વખત આત્મહત્યા કરવાની વાત કરી છે. ત્યારે આ વખતે સમગ્ર મામલાને લઈને મામલો વધુ ગુંચવાઈ તો નવાઈ નહીં.