- મહિલા તબીબ 2 માસથી પોતાના 2 વર્ષના પુત્રથી દૂર છે
- વીડિયો કોલના માધ્યમથી વાત કરે છે
- ડૉ. પારૂલબેન પોતે પણ કોરોના સંક્રમિત થયા હતા
જૂનાગઢઃ જિલ્લાની માણાવદરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 3 વર્ષથી ડો. પારુલ વાળા એક માત્ર મહિલા તબીબ તરીકે ફરજ બજાવે છે. કોરોનાની બીજી લહેરે અજગર ભરડો લીધો છે ત્યારે તેઓ પોતાના 2 વર્ષના પુત્ર દ્રશ્યને 2 મહિનાથી કેશોદ ખાતે પોતાના સાસુ-સસરા પાસે મૂકીને રોજ 18-18 કલાક ફરજ બજાવે છે હોસ્પિટલમાં રાત્રિના સમયે ગમે ત્યારે ઇમરજન્સી આવે તો પણ તાત્કાલિક દોડી જાય છે. ડૉ. પારૂલ વાળા MBBS છે પણ માણાવદરમાં ઘણા સમયથી ગાયનેક ડોક્ટરની જગ્યા ખાલી છે.
આ પણ વાંચોઃ કોરોના મહામારીમાં સુરતના ઉદ્યોગપતિ આવ્યા વતનની વ્હારે
એક સાથે 10-10 નોર્મલ ડિલીવરી કરાવી
સગર્ભાને જૂનાગઢ જવું ન પડે એ માટે તેઓજ ગાયનેક ડોક્ટરની ભૂમિકા ભજવે છે. તેમણે એક સાથે 10-10 નોર્મલ ડિલીવરી પણ કરાવી છે. કોરોનાની પહેલી લહેર વખતે ડો. પારૂલ પોતે પણ કોરોના સંક્રમિત થયા હતા. ડો. પારૂલબેને જણાવ્યું હતુ કે, પુત્રની યાદ આવવી સ્વાભાવિક છે પણ હું તેની સાથે વીડિયો કોલ પર રાત્રે વાત કરી લઉં છુ, મારા જેઠાણી અને સાસુ તેને માતાનો જ પ્રેમ આપે છે.
આ પણ વાંચોઃ દર્દીના સગા માટે ફ્રીમાં રહેવા-જમવાની વ્યવસ્થા શરૂ કરાઇ
અનેક લોકોના આશીર્વાદ મળ્યા
ડૉ. પારૂલ વાળાને અનેક મહિલા દર્દીઓએ આશીર્વાદ આપ્યા છે, તેમના પતિ ડૉ. હિરેન હડિયા પણ તે જ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. હોસ્પિટલમાં સારી કામગીરી બદલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડૉ. ભાર્ગવ ભાદરકા પણ તેમની ફરજ નિષ્ઠાને બિરદાવવાનું ચૂકતા નથી.