- વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક રીતે લોકડાઉનનો લેવાયો નિર્ણય
- આગામી સોમવાર અને ત્રીજી તારીખે માર્કેટિંગ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ થશે
- કોરોના સંક્રમણને કારણે જૂનાગઢની દાણાપીઠમાં વધુ એક વખત લોકડાઉન જાહેર કરાયું
જૂનાગઢ: શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સંક્રમિત લોકોની સંખ્યાની સાથે મોતના આંકડાઓ પણ પ્રતિદિન વધી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં કોરોનાનું સંક્રમણ વધુ કેટલાક વિસ્તારો અને વ્યક્તિઓને પોતાનો ભોગ ન બનાવે તેને ધ્યાને રાખીને જૂનાગઢની ગંજ બજાર દાણાપીઠના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે 66 કલાકનું લોકડાઉન જાહેર કરાયું છે. બપોર બાદ દાણાપીઠની તમામ બજારો બંધ કરવામાં આવી છે. જે આગામી સોમવાર અને ત્રીજી તારીખે રાબેતા મુજબ પૂર્વવત કરવાનો નિર્ણય વેપારી એસોસિએશન દ્વારા લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:જૂનાગઢમાં કોરોનાને ડામવા વેપારીઓની દિશા સ્વૈચ્છિક લોકડાઉન તરફ
સતત કોરોનાના ખતરાની વચ્ચે સાવચેતી અને લોકોમાં જાગૃતિ લાવવા માટે કરવામાં આવ્યું લોકડાઉન
66 કલાકના લોકડાઉન અંગે દાણાપીઠ વેપારી એસોસિએશનના મહામંત્રી નિતેશભાઇ સાંગલાણીએ ETV ભારત સમક્ષ લોકડાઉનને લઈને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, જે પ્રકારે કોરોનાનું સંક્રમણ જૂનાગઢ શહેર અને જિલ્લામાં ભયજનક રીતે સતત વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં વેપારીઓના પરિવાર અને ખરીદી કરવા માટે આવતા ગ્રાહકોનો પરિવાર પણ ચિંતિત બની રહ્યો છે. તેને ધ્યાને રાખીને વેપારી અને ગ્રાહક બન્નેનો પરિવાર કોરોના સંક્રમણથી દૂર રહે તેવા ઉદ્દેશ સાથે લોકડાઉન જાહેર કરાયું છે. આગામી દિવસોમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાને રાખીને વધુ કેટલાક નિર્ણયો વેપારી એસોસિએશન દ્વારા પણ લેવામાં આવશે. જેની જાણ પણ યોગ્ય સમયે ગ્રાહકોને આપવામાં આવશે.