- જૂનાગઢ જિલ્લામાં ફરી કોરોના વાયરસ માથું ઉચકી રહ્યો છે
- જિલ્લાના કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં 10 નવા કેસ નોંધાયા
- પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ત્રણ બાળકો પણ થયા કોરોના સંક્રમિત
જૂનાગઢ: જિલ્લામાં કોરોના સંક્રમણ ફરી એક વખત જોવા મળી રહ્યું છે. કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં પાછલા એક અઠવાડિયા દરમિયાન 10 જેટલા સંક્રમિત કેસ સામે આવ્યા છે. જેને લઇને ગામમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌથી વધારે ચિંતા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ત્રણ બાળકો સંક્રમિત થતા ગામના સરપંચ પણ હરકતમાં આવી ગયા છે. ગામમાં કોરોના સંક્રમણ કઈ રીતે ફેલાયો અને તેને રોકવા માટે હવે શું કરી શકાય તેના માટે સરપંચ રમેશ લાડાણી જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સમક્ષ પહેલ કરીને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તેને લઈને ઘટતું કરવા માગ કરી રહ્યા છે.
બાળકો સંક્રમિત થતા શાળા આગામી 16 તારીખ સુધી કરાઈ બંધ
કેશોદ તાલુકાના મેસવાણ ગામમાં પ્રાથમિક શાળાના બાળકો કોરોના સંક્રમિત થતા શાળાને આગામી 16 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેવું સરપંચ જણાવી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ શક્ય છે કે બહારથી આવતા કોઈ મજૂરો દ્વારા ફેલાયું હોય. આ ખુબ જ ચિંતાનો વિષય છે. હાલ ચોમાસાની સીઝન લેવાનો સમય આવી ચૂક્યો છે. આવી પરિસ્થિતિમાં રાજ્યના અને રાજ્ય બહારના મજૂરો રોજીરોટી માટે આવતા હોય છે, ત્યારે કોરોના સંક્રમણ ખૂબ જ ચિંતા ઊભી કરી રહ્યું છે. સરપંચ પણ માગ કરી રહ્યા છે કે, ગામમાં આવતી પ્રત્યેક વ્યક્તિ કોરોના રસીકરણથી સુરક્ષિત થયેલી હોય તો જ સંક્રમણ રોકવામાં સફળતા મળે અન્યથા ફરી એક વખત કોરોનાનો ખતરો ઉભો થઈ શકે છે, જેનો ભોગ ગામના લોકો બની રહ્યા છે.
આ પણ વાંચો: કેદીઓને પગભર થવા તક મળે તે માટે સુરતની લાજપોર જેલમાં શરૂ કરાયું Bhajiya House
આ પણ વાંચો: આદિવાસીઓ માટે કોરોના બન્યો કાળ, પ્રવાસીઓ નહિવત થતાં બોટ માલિકો ચિંતામાં