લોકસભાની ચૂંટણી પૂર્વે જામનગરના રણજીતસાગર ડેમમાં સૌની યોજનાનુ પાણી ઠાલવી અને શાસકો દ્વારા લોકોને તાળીઓ પડાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ અત્યારે જોઈએ તો પરિસ્થિતિ ટાઈ ટાઈ ફીશ જેવી લોકોને જણાય રહી છે. અધૂરામાં પૂરું ગુજરાતી કહેવત પ્રમાણે દુકાળમાં અધિક માસની જેમ જામનગર મહાનગરપાલિકાના વોટરવર્કસ વિભાગે એક અખબારી યાદી જાહેર કરીને જણાવ્યુ છે કે રણમલ તળાવમાં પાણી નો જથ્થો નહિવત હોવાના કારણે તળાવની આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં ભૂગર્ભજળનું જળ નીચું જતું રહ્યું છે, આ સાથે જ તળાવમાં પાણીનું લેવલ ઘટી જતાં તળાવમાં રહેલ જીવસૃષ્ટિનું પાણીના અભાવે મૃત્યુ થવાની સંભાવનાઓ પણ રહેલી છે,જેને ધ્યાને રાખીને હાલ શહેરમાં એકાતરા પાણી વિતરણ કરવામાં આવે છે, અને તેમાં 10 દિવસનો કાપ મૂકવાનો નિર્ણય લેવાયો છે, તો આગામી તા.23 મે થી ૧ જૂન સુધી શહેરમાં પાણી કાપ મૂકી રો-વોટરનો જથ્થો રણમલ તળાવમાં ઠાલવવાનું તંત્રએ નક્કી કરી નાખ્યું છે, ત્યારે શહેર ભરમાંથી અનેક સવાલો ઉઠવા પામ્યા છે કે તળાવની અંદર આવેલ જીવશ્રુષ્ટિને બચાવવાનો નિર્ણય સરાહનીય કહી શકાય પણ તેના જે આયોજનો કરવામાં આવેલું હતું તેનું શું ?
આ જ જીવ સૃષ્ટીને બચાવવા માટે આજથી ત્રણ વર્ષ પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે બે મોટા બોર અને બીજા સામાન્ય ખાડાઓ બનાવવામાં આવ્યા હતા, જેથી પંપથી તેમાંથી પાણી ખેંચી તળાવમા છોડાય અને સમગ્ર સપાટી પાણીથી ભરેલી લાગે અને તેમાં રહેલ જીવસૃષ્ટી બચી શકે.ખાસ કરીને પક્ષીઓને આશ્રય મળી જાય અને તળાવ રમણીય અને લોકેને આકર્ષણનું કેન્દ્ર લાગે. તળાવમાં જે બોર છે તેનાથી ભલે તળાવ આખું ન ભરાય તો પણ તેમાં રહેલી જીવ સૃષ્ટિની જાળવણી તો થાય તેવો હેતુ પણ હતો. આમ જોવા જઈએ તો એક બોર માટે એક લાખથી પણ વધુ ખર્ચ થાય તેવા બોર બનાવવામાં આવ્યા છે તો તેનું શું ? પાઇપલાઇન અને મશીનરી વગેરેના બીજા ખર્ચા જે કરવા માં આવ્યા હતા તેનું શું થયું ..? કોના પાપે આ બોર બુરાઇ ગયા અને મશીનરી સગેવગે થઇ ગઇ હોય અને "કરે કોઈક અને ભરે કોઈક"આવા અનેક પ્રશ્ન તેમજ ચર્ચાઓ લોકમુખે ચાલી રહી છે.