- શહેરના દરેકના વોર્ડમાં ચાલી રહ્યું છે રસીકરણ
- રોજના 4,000 લોકો લે છે કોરોનાની રસી
- રવિવારે અનેક જગ્યાએ યોજાયો રસીકરણ કેમ્પ
જામનગર: શહેરના નાગરિકો વિવિધ સેવા કેમ્પો દ્વારા આયોજિત વેક્સિનેશન કેમ્પમાં રસી લઇ રસીકરણ ઉત્સવના ભાગીદાર બની રહ્યાં છે. જામનગરને સુરક્ષિત બનાવવા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા શહેરીજનોને આ રસીકરણ ઉત્સવમાં જોડાઈને વધુમાં વધુ રસી લેવા અનુરોધ કર્યો હતો. રવિવારે જામનગરમાં ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં માટેલ ચોક, ગઢવી સમાજની વાડી, રામેશ્વર શિવ મંદિર, પંચાણભાઈ શામજીભાઈ પટેલ સેવા સમાજ, ખોડીયાર કોલોની ગુંજન વિદ્યાલય અને વાટલિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે રસીકરણ કેમ્પ યોજાયા હતા. આશરે 500થી વધુ લોકોએ લાભ લીધો હતો. પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ રસી લેનારાઓને બિરદાવ્યા હતા.
વધુ વાંચો: આજથી ટીકા ઉત્સવની શરૂઆત, મહત્તમ યોગ્ય લાભાર્થીઓને રસી આપવાનું લક્ષ્ય
શહેરના દરેક વોર્ડમાં ચાલી રહ્યું છે વેક્સિનેશન
ખાનગી સંસ્થા દ્વારા દરેક વોર્ડ ખાતે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગર ખાતે વિવિધ કેમ્પ અને મહાનગરપાલિકા દ્વારા નિર્ધારિત રસીકરણ સ્થળો પરથી રોજ 4,000 જેટલા લોકો રસી લઇ રહ્યા છે.જ્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના 265 રસીકરણ સ્થળો પરથી રોજ 7,000થી વધુ લોકો રસી લઇ પરિવાર, સમાજ અને દેશને સુરક્ષિત કરવામાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે.
વધુ વાંચો: કોરોનાને નાથવો એ આપણી સામૂહિક જવાબદારી છે