- સત્તાના દૂરૂપયોગના ગુનામાં એસીબી દ્વારા કાર્યવાહી
- 1.89 લાખની ચુકવણી મામલે તપાસ: અગાઉ ચાર શખ્સની ધરપકડ
- કોવિડ ટેસ્ટ કરાવી વધુ તપાસ હાથ ધરાઈ
જામનગર: જોધપુર તાલુકાના ચુર ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2016-17 ના સરકારના 14મા નાણાપંચના વિકાસ કાર્યો પૈકી રબારી વાસમાં પાણીની ટાંકી અને ગામતળમાં પાઇપલાઈનના કામ થયેલ ન હોવા છતાં આ કામ પેટે રૂપિયા 1.84 લાખની ગેરકાયદેસર ચૂકવણી પ્રકરણમાં તત્કાલિન ઉપસરપંચની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બોગસ દસ્તાવેજો ઉભા કરી નાણાંની કરી હતી ઉચાપાત
આ અંગેની વિગત મુજબ, જોધપુરના ચુર ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2016-17 મા સરકાર દ્વારા મળેલી નાણાંપંચના વિકાસ કાર્યોની રકમમાંથી રબારી વાસમાં પાણીની ટાંકી અને ગામતળમાં પાઈપલાઈનનું કામ થયું ન હોવા છતાં આ બન્ને કામ માટે 1,89,400 રકમની ગેરકાયદેસર ચૂકવણી કરી દેવામાં આવી હતી. આ મામલે બોગસ દસ્તાવેજો ઉભા કરી નાણાંની ઉચાપાત પ્રકરણમાં એસીબીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન મુરીબેન નથુ રાઠોડ અને મીતેશસિંહ ગંભીરસિંહ જાડેજા નામના બન્ને તત્કાલિન સરપંચ તથા દર્શન હસમુખ પરમાર તત્કાલિન મદદનીશ ઈજનેર વર્ગ 3 માર્ગ અને મકાન પેટા વિભાગ તથા ચુરના તત્કાલિન તલાટી કમ મંત્રી રવજી મનસુખ ધારેવડિયાની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા બાદ જેલ હવાલે કરવામાં આવ્યાં હતાં.
આ ઉચાપાત પ્રકરણમાં ચુરના તત્કાલિન ઉપસરપંચ કિશોરસિંહ લાલુભા જાડેજા નાસતા ફરતા હોય અને તેની આગોતરા જામીન અરજી રદ થતા એસીબીના પીઆઈ એ ડી પરમાર તથા સ્ટાફને મળેલી બાતમીના આધારે જોધપુર તાલુકાના ચુર ગામમાં આવેલા રહેણાંક મકાનેથી કિશોરસિંહને ઝડપી લઇ કોવિડ ટેસ્ટ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.