- યૌનશોષણ મામલે દિવસેને દિવસે થઇ રહ્યાં નવા ખુલાસા
- આ ઘટનામાં 60થી 70 યુવતીઓ બની હતી ભોગ
- હૉસ્પિટલના HR એક્ઝિક્યુટિવનું નામ સામે આવ્યું હોવાનો ખુલાસા
જામનગર: બહુ ચર્ચિત યૌન શોષણ( Sexual Harassment Case Jamnagar ) મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. 5 દિવસ પહેલા જામનગરની હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર પાઠવ્યા બાદ મીડિયા સમક્ષ વાત કરીને યુવતીએ તેમનું યૌન શોષણ થયું હોવાનું જણાવ્યું છે. આ બાદ, વધુ એક ખુલાસો સામે આવ્યો છે. જેમાં, આ સમગ્ર ઘટનામાં જી. જી. હોસ્પિટલ ( GG Hospital Jamnagar) માં કોટ્રાક્ટર તરીકે કામ કરતો અને HR એક્ઝિક્યુટિવ બની ગયેલો લોમેશ પ્રજાપતિ આ નઠારા કામનો મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે.
લોમેશ પ્રજાપતિ એક ચક્રી શાસન ચલાવતો હતો
જામનગરની જી જી હોસ્પિટલમાં કોટ્રાક્ટર તરીકે કામ કરતો લોમેશ પ્રજાપતિ HR એક્ઝિક્યુટિવ બની ગયો હતો અને આઉટ સોર્સથી કોરોનાકાળમાં યુવતી અને યુવકોની ભરતી કરતો હતો. લોમેશ પ્રજાપતિ સામે એવા પણ આક્ષેપ થયા છે કે, કોવિડ હોસ્પિટલમાં કોઈની પણ નિમણૂક તેના ઈશારે થતી હતી. લોમેશ પ્રજાપતિ રાજકીય વગ પણ ધરાવતો હોવાથી બીજા લોકો તેનાથી ડરતા હતા.
જે યુવક યુવતીઓ વિરુદ્ધ જતા તેને છુટા કરી દેતો લોમેશ
લોમેશ પ્રજાપતિએ જી.જી. હોસ્પિટલમાં 560 જેટલા એટેન્ડન્સની નિમણૂક કરી હતી. જેમાં, ૨૫૦ જેટલી યુવતીઓનો સમાવેશ થાય છે. જે યુવક-યુવતીઓ લોમેશ પ્રજાપતિની વિરુદ્ધમાં જતા હતા તેમને બીજા દિવસે નોકરી પરથી છૂટા કરી દેવામાં આવતા હતા. લોમેશ પ્રજાપતિ ગમે ત્યારે એટેન્ડન્સનું આઇકાર્ડ ઝૂંટવી લેતો હતો. જેના કારણે એટેન્ડન્સમાં પણ ફફડાટ ફેલાયો હતો. આમ, જે યુવતીઓ લોમેશ પ્રજાપતિની વાત માનતી હતી તેમને સુપરવાઇઝર સુધીના હોદ્દાઓ આપવામાં આવતા હતા.
સહમત થતી યુવતીને પ્રમોશન આપી સુપરવાઈઝર બનાવવામાં આવતી
જામનગરમાં સારૂ સેક્શન રોડ પાસે આવેલા 10 માળીયા આવાસમાં લોમેષ મહેશ પ્રજાપતિનો ફ્લેટ આવેલો છે. આ ફ્લેટ તેણે એટેન્ડન્સ તરીકે ફરજ બજાવતા એક યુવકને ભાડે આપ્યો હતો. અહીં તે યુવતીઓને લઈ જતો અને ત્યાં જ યોન શોષણ કરતો હોવાનું બહાર આવ્યું છે. ભાડુઆત તરીકે રહેતા યુવકે પણ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું.
લોમેશને હોસ્પિટલમાં L.B. તરીકે ઓળખતા
જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં લોમેશ પ્રજાપતિને એટેન્ડન્સ તેમજ અન્ય કર્મચારીઓ LB તરીકે ઓળખતા હતા. લોમેશ રંગીન મિજાજનો અને પોતાનો રોફ અન્ય કર્મચારીઓ પર જમાવતો હતો.
લોમેશે મોક્ષ ફાઉન્ડેશનને કામ કરતું બંધ કરાવ્યું હતું
કોરોના મહામારી દરમિયાન રોજ 100થી 150 દર્દીઓના મોત નિપજતા હતા. ત્યારે, જામનગરનું મોક્ષ ફાઉન્ડેશન મૃતક દર્દીઓના અંતિમ સંસ્કાર કરવાનું વિનામૂલ્ય કામગીરી કરતું હતું. જોકે, લોમેશે કોઈ કારણોસર પ્રકારે મોક્ષ ફાઉન્ડેશનની કામગીરીને બંધ કરાવી હતી.
કમિટીની નિમણૂંક કરાઈ પણ યુવતીઓ નારાજ
યૌનશોષણ કેસ મામલે જામનગર ગુરુ ગોવિંદ હોસ્પિટલ ડીન તરીકે ફરજ બજાવતા નંદિની દેસાઈએ પણ અમુક યુવતીઓના નિવેદન લીધા છે અને અમુક યુવતીઓને નિવેદન માટે બોલાવી નથી. આથી એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જે યુવતીઓ ભોગ નથી બની તેમના નિવેદન લેવામાં આવી રહ્યાં છે. તો કેટલીક યુવતીઓ બદનામ થવાના ડરને કારણે કમિટી સમક્ષ જઇ શકતી નથી. કેટલીક યુવતીઓએ હિંમત દાખવી છે અને મીડિયા સમક્ષ તેમજ કમિટી સમક્ષ આવીને પોતાનું નિવેદન આપ્યું છે. જે યુવકના ઘરમાં યુવતીઓનું શોષણ કરવામાં આવ્યું તે યુવક પણ મીડિયા સમક્ષ આવ્યો છે. તેણે જણાવ્યું છે કે તેના ઘરનો જાણ બહાર ઉપયોગ કરવામાં આવ્યો છે.
60 થી70 યુવતીઓ યૌન શોષણની ભોગ બની
સમગ્ર મામલામાં એક યુવતી સહિત કુલ 6 ઈસમો સંડોવાયેલા છે અને આ તમામ લોકોએ ચેન બનાવી 60 થી 70 જેટલી એટેન્ડન્સ યુવતીઓને યૌન શોષણનો ભોગ બનાવી છે. જો કે સમગ્ર મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાઇ નથી. કમિટીએ અમુક યુવતીઓના નિવેદન લીધા છે. તો જી.જી.હોસ્પિટલમાં આરોગ્ય કર્મચારી તરીકે ફરજ બજાવતા 1 આરોગ્ય કર્મચારીએ પણ યુવાન શોષણના મામલે નવો ઘટસ્ફોટ કર્યો છે. તેમને જણાવ્યું કે તેઓ છેલ્લા 8 મહિનાથી શોષણની વિગતો જાણતા હતા પણ આરોપી લાગવગવાળા હોવાથી તેઓએ પોતાની નોકરી બચાવી અને મૌન રહેવાનું નક્કી કર્યું હતું. જો કે ભોગ બનેલી યુવતીઓ જ મીડિયા સમક્ષ તેમજ કમિટી સમક્ષ પોતાના નિવેદનો આપવા માટે બહાર આવી ત્યારે આરોગ્ય કર્મચારીએ પણ નિવેદન આપીને યુવતીઓની સાથે ઉભા રહ્યાં છે.
સમગ્ર રાજ્યમાં યૌન શોષણના પડઘા પડ્યા
યૌન શોષણના પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ જામનગરના કલેક્ટરને ફોન કરી અને સમગ્ર મામલે કડક તપાસ થાય તેવા આદેશ આપ્યા છે તો રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ પણ પત્રકાર પરિષદ યોજી સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. જે જામનગરના જિલ્લા કલેક્ટરે તાત્કાલિક પ્રાંત અધિકારીની આગેવાનીમાં 3 સભ્યોની કમિટીની નિમણૂંક કરવામાં આવી છે. આ કમિટી હાલ તમામ યુવતીઓના નિવેદન લઇ રહી છે. જો કે આ યૌન શોષણ મામલે આમ આદમી પાર્ટીએ ઝપલાવ્યું છે તો કોંગ્રેસે પણ વિરોધ કર્યો છે
શું આઉટ સોર્સથી જોબ કરતી યુવતીઓ સાથે થઈ રહ્યું છે યૌન શોષણ ?
કોરોના મહામારીના કારણે અનેક લોકોએ નોકરીઓ ગુમાવી છે ત્યારે આઉટ સોર્સિંગથી મોટા પ્રમાણમાં યુવતીઓને નોકરીઓ પણ આપવામાં આવી રહી છે. ઘણાં કિસ્સાઓમાં આ યુવતીઓ ક્યાંકને ક્યાંક યૌન શોષણનો ભોગ બનતી હોય તેવી ઘટનાઓ બની રહી છે. અમુક યુવતીઓ બદનામ થવાના ડરથી બહાર નથી આવતી તો અમુક યુવતીઓ હિંમત દાખવી અને યૌન શોષણના મામલાઓ બહાર લાવી રહી છે. ત્યારે સવાલએ થાય છે કે શું રાજ્ય વ્યાપી સ્તરે યૌનશોષણની ઘટનાઓ બની રહી છે?
આ પણ વાંચો:
- sexual harassment case: શું છે જામનગર યૌન શોષણ કેસ
- sexually harassment in gg hospital - ફરજ બજાવતી 60થી 70 યુવતી બની યૌન શોષણનો ભોગ, આરોગ્ય કર્મીએ કર્યો આક્ષેપ
- GG Hospital Attendant Sexual Abuse Case: 8 યુવતીઓની 5 કલાક પૂછપરછ, 2 દિવસમાં કમિટી રિપોર્ટ આપશે
- જામનગર યૌન શોષણ મામલો - એટેન્ડન્ટ્સ દ્વારા એમ. પી. શાહ મેડિકલ કોલેજ ખાતે અચોક્કસ મુદતના ધરણા
- Indian Medical Association ડૉક્ટર્સ દ્વારા જામનગરમાં શાંતિપૂર્ણ વિરોધ