- રાજ્યમાં બર્ડ ફ્લૂનો કહેર વર્તાયો
- પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂ અંતર્ગત તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઇ
- 40 ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી
જામનગરઃ રાજ્યમાં બર્ડ ફ્લૂના કેસ વધી રહ્યા છે, ત્યારે આ રોગચાળાની દહેશત વચ્ચે જામનગર શહેર-જિલ્લામાંથી 170 પક્ષીના સેમ્પલ ભોપાલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. આ સાથે જ શહેર-જિલ્લાના 65 પોલ્ટ્રી ફાર્મમાં પશુપાલન વિભાગની 40 ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં હજુ સુધી પક્ષીઓમાં મૃત્યુનું પ્રમાણ કે લક્ષણો જોવા મળ્યાં નથી.
1.61 લાખ પક્ષીઓનું સર્વેલન્સ
રાજ્યમાં બર્ડ ફ્લૂના કારણે પક્ષીઓના મૃત્યુના બનાવ બન્યા છે. આ સ્થિતિમાં જામનગર શહેર-જિલ્લામાં તકેદારીના ભાગરૂપે પશુપાલન વિભાગની 40 ટીમ દ્વારા શહેર-જિલ્લામાં આવેલા 65 પોલ્ટ્રી ફાર્મમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત 1.61 લાખ પક્ષીઓનું સર્વેલન્સ કરાયું છે. આ અંગે જિલ્લા પશુપાલન અધિકારી ડૉ.ભગીરથ પટેલે જણાવ્યું હતું કે, સર્વેલન્સ કામગીરી અંતર્ગત હજુ સુધી પક્ષીઓમાં મૃત્યુનું પ્રમાણ કે બર્ડ ફ્લૂના લક્ષણો જોવા મળ્યા નથી. આમ છતાં તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યાં છે.
70 યાયાવર પક્ષીઓના નમૂના મોકલાયા
જામનગરમાંથી 100 અને ખીજડિયા પક્ષી અભયારણ્યમાંથી 70 યાયાવર એટલે કે બહારથી આવતા પક્ષીઓના સેમ્પલ તથા 40 પક્ષીના લોહીના સીરમ ભોપાલ લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલાયા છે.
ખીજડિયા અભયારણ્ય તાકીદની અસરથી બંધ
ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે. જેના પગલે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા બર્ડ ફ્લૂની દહેશતના પગલે ખીજડિયા પક્ષી અભ્યારણ્ય સોમવારથી તાકીદની અસરથી બંધ કરાયું છે.